• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં બાઇક હડફટે રાહદારીએ જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 26 : શહેરના મોરબિયા હોસ્પિટલ સામે ટાગોર રોડ માર્ગ ઓળંગવા જતાં દેવબહાદુર રંગે ભુલ (ઉ.વ. 40)ને બાઇકે હડફેટમાં લેતાં આ યુવાને જીવ ખોયો હતો. બીજીબાજુ શહેરના પી.એસ.એલ. ઝૂંપડા વિસ્તારમાં રહેનાર છોટીકુમારી રાજકુમાર ધાનુક (ઉ.વ. 15) નામની કિશોરીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો તેમજ શિણાયમાં રહેનાર સર્જનકુમાર સિદ્ધેશ્વર યાદવ (ઉ.વ. 22) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. શહેરનો ટાગોર રોડ ફરી એક વખત રક્તરંજીત બન્યો છે. આ માર્ગ ઉપર અગાઉ આવા અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. શહેરમાં રહેનાર દેવબહાદુર નામનો યુવાન ગત તા. 23/12ના રાત્રે 10 વાગ્યાના અરસામાં મોરબિયા હોસ્પિટલ સામે ઊભો હતો, ત્યાંથી તે સાઇકલ ઉપાડીને માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે ગાંધીધામથી આદિપુર જતી બાઇક નંબર જી.જે. 39-બી. 7300ના ચાલકે આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં તેને પ્રથમ રામબાગ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાઇકચાલક વિરુદ્ધ ભરત રંગે ભુલએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો બનાવ શહેરના આંબેડકર નગર પી.એસ.એલ. ઝૂંપડા શેરી નંબર 3માં બન્યો હતો. અહીં રહેનાર છોટીકુમારી નામની કિશોરીએ અગમ્ય કારણોસર રૂમમાં આવેલા પાઇપમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ કિશોરી પરણેલી તથા તેનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું પોલીસ મથકે લખાવાયું હતું. બીજો બનાવ શિણાયના રોયલ પાર્ક-1, મકાન નંબર 421માં બન્યો હતો. અહીં રહેનાર મૂળ બિહારના સર્જનકુમારે છતમાં લાગેલા પંખામાં કમરમાં બાંધવાનો પટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી. આ બંને બનાવો પછવાડેના કારણો જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd