દિલ્હી પોલીસે
મંગળવારે બાંગલાદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારી એક ગિરોહની જાળ ભેદીને
11 જણની ધરપકડ કરી. પકડાયેલા 11માં ચાર બાંગલાદેશી અને સાત ભારતીય છે. આ ટોળકી નાણાં
લઇને ભારતમાં ઘૂસણખોરી કરનારા બાંગલાદેશીઓને નકલી આધારકાર્ડ, મતદારકાર્ડ, પેનકાર્ડ,
જન્મનું પ્રમાણપત્ર, રાશનકાર્ડ જેવા જેટલા પણ જરૂરી દસ્તાવેજ છે, એ ઉપલબ્ધ કરાવતી હતી.
દેશની સુરક્ષાના દૃષ્ટિકોણથી આ અતિ ગંભીર બાબત છે. આસામ, પશ્ચિમ બંગાળમાં બાંગલાદેશી
ઘૂસણખોરીની સમસ્યા મોટી છે. ત્યાંથી ત્રસ્ત લોકો ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કરે
છે, એ માટે પહેલાં બીએસએફ જવાનોને સાચવી લે છે, એ પછી ક્યાં રહેવું, જવું એ ઠેકાણાની
શોધ કરે એટલે `મદદ'
કરનારા મળી જાય છે. ત્યાંથી તેઓ ભારતમાં જુદાં જુદાં રાજ્યોમાં ફેલાઇ જાય છે. દેશની
રાજધાની દિલ્હીમાં ઘૂસણખોરીની ગંધને પગલે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ બાંગલાદેશ અને
રોહિંગ્યા ઘૂસણખોરોને શોધી કાઢવા સઘન અભિયાન ચલાવવા હુકમ કર્યો હતો. દિલ્હી પોલીસ ઘણા
દિવસોથી આવી ધરપકડ કરી રહી છે. પકડાયેલા બાંગલાદેશીઓએ પૂછતાછમાં કબૂલ્યું કે, કઇ રીતે
તેમના `કાયદેસર'
જેવા દસ્તાવેજો બની જાય છે. એ આધારે પોલીસે ખતરનાક કામ કરનારી ટોળીને ઝડપી લીધી છે.
ભારત સ્વાતંત્ર્ય મેળવ્યું ત્યારથી ગેરકાયદે ઘૂસણખોરીનો સામનો કરી રહ્યું છે. બાંગલાદેશ
બન્યા પછી પૂર્વ અને ઇશાન રૂટ મારફત દેશમાં લાખોની સંખ્યામાં બાંગલાદેશીઓની ઘૂસણખોરીનો
પ્રશ્ન અતિ ગંભીર બની રહ્યો છે. ઝારખંડ, બિહાર, કાશ્મીર, મુંબઇ, દિલ્હી-એનસીઆરમાં સૌથી
વધુ ગેરકાયદે નિવાસી છે. અલબત્ત, ગેરકાયદે ઘૂસણખોરી આમ તો વૈશ્વિક સમસ્યા છે. અમેરિકામાં
પણ આ પ્રશ્ન મોટો બની ચૂક્યો છે અને ભાવિ રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા તથા મેક્સિકોને ચેતવણી આપી છે. કેમ કે, અમેરિકામાં ઘૂસવા માટે
એ બંને દેશ ગેરકાયદે પ્રવેશદ્વારનું કામ કરી રહ્યા છે. બને એવું છે કે, રોજગારી મેળવવા
બીજા દેશના નાગરિકો સમૃદ્ધ દેશો તરફ દોડ લગાવે છે. યેનકેન રીતે પ્રવેશી ગયા પછી ત્યાં
માનવાધિકારને ઢાલ બનાવીને કાયમ માટે રહી જાય છે. કેન્દ્ર સરકારે ગેરકાયદે ઘૂસણખોરોને
પહોંચી વળવા નાગરિક સંશોધન કાયદો સીએએ લાગુ ર્ક્યો છે, જેમાં પાકિસ્તાન, બાંગલાદેશ,
અફઘાનિસ્તાનથી ભારત આવેલા ગેરભારતીય નાગરિકોને શરતી નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં
આવી છે, પરંતુ આજે દેશમાં મૂળ સમસ્યા બાંગલાદેશથી આવેલા ગેરકાયદે મુસ્લિમ ઘૂસણખોરોની
છે, જે ભારત માટે અનેક ભય ઊભા કરી રહ્યા છે. બાંગલાદેશથી પીડિત થઈને હિન્દુ ભારતમાં
આવે છે, જ્યારે મુસ્લિમ અને રોહિંગ્યા મુસ્લિમ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે છે. આવા
બાંગલાદેશીઓ ભારતનાં અર્થતંત્ર, રાજકીય સમાજ અને સુરક્ષા માટે ગંભીર ભય બની રહ્યા છે.
2003-04ના એક રિપોર્ટ મુજબ બાંગલાદેશી ઘૂસણખોરો દેશમાં પચીસ લોકસભા બેઠક અને 120 વિધાનસભાની
બેઠક પર અસરકારક ભૂમિકામાં છે. 2003 સુધી દિલ્હીમાં છ લાખ બાંગલાદેશી ઘૂસણખોરો ભારતીય
ઓળખપત્ર મેળવી ચૂક્યા છે ! 2002માં તત્કાલીન વિદેશપ્રધાન યશવંત સિન્હાએ સંસદમાં કહ્યું
હતું કે, ઢાકામાં પાકિસ્તાની આઈએસઆઈનાં નવ સેન્ટર છે, જે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં
સક્રિય છે. ઓક્ટોબર 2002માં બીએસએફએ બાંગલાદેશમાં ચાલી રહેલા 99 આતંકવાદી ટ્રેનિંગ
કેમ્પનું લિસ્ટ બાંગલાદેશ બોર્ડર ગાર્ડ્સને સોંપ્યું હતું. 2000માં ભારતના ત્યારના
ગૃહસચિવ માધવ ગોડબોલેએ કેન્દ્ર સરકારને સોંપેલા મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં કહ્યું હતું
કે, લગભગ 15 કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો ભારતમાં રહે છે. આસામના ગવર્નર રહેલા એસ.કે.
સિન્હાએ 1998માં ભારતના રાષ્ટ્રપતિને સોંપેલા રિપોર્ટમાં કહ્યું હતું કે, જે ઝડપથી
ગેરકાયદે બાંગલાદેશીઓની સંખ્યા વધી રહી છે, તે જોતાં એક સમય એવો પણ આવી શકે છે, જ્યારે
તેઓ ગ્રેટ બાંગલાદેશની માંગ કરવા લાગે. વિઝા મેળવીને ભારે સંખ્યામાં બાંગલાદેશી આવે
છે, પણ આમાંના અનેક પાછા વતન જતા નથી. 2023માં લગભગ 16 લાખ બાંગલાદેશી વિઝા લઈને ભારત
આવ્યા હતા. 1974માં ભારત-બાંગલાદેશ બોર્ડર `ગાઈડલાઈન' બની હતી, ત્યારે બાંગલાદેશનો માહોલ
બિલકુલ અલગ હતો, આજે બાંગલાદેશમાં ભારતવિરોધી માહોલ છે, જેને લઈ હવે ભારત-બાંગલાદેશ
બોર્ડર ગાઈડલાઈન્સની સમીક્ષા પણ કરવી જરૂરી છે. ઘૂસણખોર બાંગલાદેશીઓને વીણીવીણીને દેશ
બહાર કરવાની પ્રક્રિયા પ્રભાવીપણે શરૂ થવી જોઈએ.