ભારતીય શીખ સમુદાયમાં
ખાલિસ્તાનની માંગની માટે ખાસ કોઇ ઉમળકો નથી, પણ આ સમુદાયને અલગતાવાદી પરિબળો ઉશ્કેરવા
માટે સતત સક્રિય રહે છે. લાંબા સમયથી પંજાબ અને શીખ સમુદાયે રાષ્ટ્રીય ધારામાં પોતાની
સામેલગીરીને વધુ મજબૂત બનાવી છે, ત્યારે અમુક મુઠ્ઠીભર તત્ત્વો અલગતાવાદી વિચારધારાને
ફરી જગાવવા મથી રહ્યાં છે. સ્થાનિકે જોઇએ એવો સહયોગ સાંપડતો જણાયો નથી, એટલે વિદેશમાં
વસતા શીખ સમુદાયમાં ઉશ્કેરાટ જગાવીને આર્થિક સહયોગ મેળવવા આવાં તત્ત્વો સતત મથી રહ્યાં
છે, પણ તાજેતરમાં આવાં તત્ત્વો યુવાનોને ફરી ગેરમાર્ગે દોરવા સફળ થઇ રહ્યાં હોવાના
અમુક ગણ્યાગાંઠયા બનાવો દેશની એકતા અને આંતરિક સલામતી માટે લાલબત્તી સમાન છે. સોમવારે
ઉત્તર પ્રદેશના પીલીભીત વિસ્તારમાં ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના મનાતા ત્રણ યુવાનનું
એન્કાઉન્ટર થયું, તે ઘટનાથી અલગતાવાદ ફરી માથું ન ઊંચકે એવી આશંકા વધુ ઘેરી બની રહી
છે. ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાની અલગતાવાદને ફરી ભડકાવવા સરહદ પારનાં પાકિસ્તાન ઉપરાંત
બ્રિટન, કેનેડા અને અમેરિકાથી સતત કારસા થતા રહ્યા છે. ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સનું
સંચાલન ગ્રીસમાં રહેતો જસાવિંદરાસિંહ મન્નુ કરે છે અને તેનો વડો રણજિતાસિંહ નીતા છે.
પીલીભીતમાં થયેલાં એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસ સંયુક્ત રીતે
જોડાઇ હતી. આ ત્રણે યુવક ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલા માટે વોન્ટેડ હતા.
પંજાબ પોલીસ તેમનો પીછો કરતી કરતી પીલીભીત પહોંચી હતી. તે પછી સ્થાનિક પોલીસની સાથે
રહીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. માર્યા ગયેલા ત્રણે ખાલિસ્તાની પાસેથી મોટા
પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ ત્રણે નજીકની નેપાળ સરહદ ઓળંગીને
છટકી જવાની વેતરણમાં હોવાનું મનાઇ રહ્યંy છે. પંજાબ પોલીસના સજાગ પ્રયત્નો થકી આ ત્રણે
ગુનેગારનું પગેરું દબાવાયું હતું, જેને લીધે સફળ એન્કાઉન્ટર શક્ય બન્યું હતું, પણ હકીકત
એ છે કે, આવાં એકાદ એન્કાઉન્ટરથી પંજાબમાં માથું ઊંચકી રહેલા અલગતાવાદીઓનાં મનોબળને
તોડી શકાય તેમ નથી. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સાથે મળીને આગોતરી વ્યૂહરચના
ઘડીને તેના અમલ માટે કમર કસવાની તાતી જરૂરત છે. ખરેખર તો પંજાબમાં અલગતાવાદીઓને વિખુટા
પાડવા અને તેમના ઇરાદા સામે સામાન્ય લોકોને માહિતગાર કરવા પર ધ્યાન આપવાનાં પગલાં લેવાવાં
જોઇએ.