• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

બોર્ડ પરીક્ષાનાં પરિણામથી સામાજિક બદલાવના સંકેત

ભાર વિનાના ભણતરની આપણે મોટી વાતો કરીએ છીએ, પરંતુ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર અને ગુણાંક પદ્ધતિમાંય બદલાવ દાખલ કર્યા છતાં છાત્રોને `નંબર રેસ'માંથી બહાર નથી કરી શક્યા. કારકિર્દી ઘડવાનાં ઊંચાં અરમાનોને લઇને જાણે અજાણે વાલીઓ પણ સંતાનને દબાણમુક્ત રાખી નથી શકતા. દર વખતે બોર્ડ પરીક્ષાનાં પરિણામ વખતે આપઘાતના બનતા બનાવો આ વાતનું પ્રમાણ છે. ભુજમાં સુખી પરિવારના લાડકવાયાએ જીવ દઇ?દીધો એ જેટલી આઘાતજનક ઘટના છે, એટલો જ દુ:ખદ કિસ્સો ડેંગ્યુને લીધે મૃત્યુ પામનારી બન્નીની વિદ્યાર્થિનીનો છે. ચાલો.. બીમારી આપણા હાથની વાત નથી, પરંતુ બાળકો ઉપર ભણતરનો ભાર ન વધી જાય એની તકેદારી શાળાઓથી લઇને શિક્ષકો, ટયુશન ક્લાસીસ સંચાલકો અને વાલીઓએ લેવી જ રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડ પરીક્ષા પૂવે છાત્રો સાથે `પરીક્ષા પે ચર્ચા' યોજી હતી, તેનો સંદેશ?એ જ નીપજ્યો હતો કે, છાત્રો પર ખોટું દબાણ ન લાવજો. માની લઇએ કે, વિદ્યાર્થીઓ ખુદ પોતાને વધુને વધુ માર્ક્સ મેળવવાની રેસમાં જોતરી દેતા હોય છે. આપણે સિસ્ટમ જ એવી ઊભી કરવી જોઇએ કે, ફક્ત પરીક્ષાના ગુણ નહીં, છાત્રનાં વ્યક્તિત્વનાં બીજાં પાસાં કે આવડત પણ ધ્યાને લેવાય. ધો. 10નું પરિણામ ગુજરાતનું 64.62 ટકા અને કચ્છનું 68 ટકા જાહેર થયું છે. મહત્ત્વનાં પાસાં એ છે કે, કન્યાઓએ શાનદાર દેખાવ કર્યો છે. કચ્છમાં ગામડાંના છાત્રો શહેરો કરતાં ટકાવારીમાં આગળ રહ્યા એ પણ બદલાતાં સમીકરણોનું પ્રમાણ આપે છે. સોશિયલ મીડિયાએ જાગૃતિ આણી છે એમ શિક્ષણ સુવિધાઓનો પણ વિકાસ થતાં ગ્રામીણ છાત્રો પણ કૌવત ઝળકાવતા થયા છે. ગ્રામીણ ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધશે તો સાચું ભારત જ્યાં વસે છે એવાં ગામડાઓના ઉત્થાનની પરિકલ્પના સાકાર થશે એમ કહી શકાય. ધો. 10નાં પરિણામની એકંદરે ટકાવારી શિક્ષણક્ષેત્રના નિષ્ણાતોના મતે સંતોષજનક નથી. 30 ટકાથી પણ ઓછું પરિણામ આવ્યું હોય તેવી શાળાની સંખ્યા ગયા વર્ષે 1007 હતી. આ વર્ષે રાજ્યમાં એવી શાળા 1084 છે. ગયા વર્ષે 294 શાળા એવી હતી, જેનું પરિણામ 100 ટકા હતું. આ વર્ષે 272 શાળા 100 ટકા પરિણામ ધરાવતી છે, શાળામાં 22નો ઘટાડો થયો છે. બે વિષયમાં જેમને સુધારાને અવકાશ છે એટલે કે, નિયત ધોરણ કરતાં ઓછા માર્ક્સ મળ્યા હોય તેવા વિદ્યાર્થી ગત વર્ષે 54373 હતા, આ વર્ષે તે સંખ્યા 74538 થઈ ગઈ છે. દાવા તો એવા છે કે, શિક્ષણક્ષેત્રે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. એ1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 12090 હતી, જે આ વર્ષે 6111 થઈ, એ-ટુમાં પણ વિદ્યાર્થી ગયા વર્ષે 52992 હતા, જે આ વર્ષે ઘટીને 44480 થઈ ગયા છે. સંખ્યાત્મક સરખામણી લાંબી ચાલે. વાસ્તવિકતા એ છે કે, શૈક્ષણિક સ્તર ઘટયું છે. વિશ્વ આખું ટેક્નોલોજી પર વધારે અવલંબિત થઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણા આંગણે આવીને હવે ઘરમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે વિજ્ઞાનમાં આપણે ત્યાં આ વર્ષે સૌથી વધારે વિદ્યાર્થી નાપાસ થયા છે. માતૃભાષા માટે સરકારને ઘણી ચિંતા છે તેવું સતત કહેવાય છે. ઈંગ્લિશ નામોવાળી સરકારી યોજનાની સંખ્યા પણ રાજ્યમાં ઘણી છે અને તેવા માહોલમાં ગુજરાતી વિષયમાં 16 ટકા પરીક્ષાર્થી નાપાસ થયા છે. ઈંગ્લિશ વિષયનું પરિણામ 95.06 ટકા આવ્યું છે. કલાકારો, વક્તાઓ, સાહિત્યકારો, સરકાર વતી ભાષા-સંસ્કૃતિ માટે મંચ ગજાવે છે, પરંતુ વિદ્યાર્થીનાં પરિણામ પર તેની અસર દેખાતી નથી. શિક્ષાનીતિનું સ્વાગત હોય. પાઠયપુસ્તકમાં જે ફેરફાર કરવા જરૂરી લાગે તે થાય તેમાં પણ વાંધો નથી, પરંતુ શિક્ષણનું સ્તર તો જળવાવું જ જોઈએ. કેરળ, કર્ણાટક જેવાં રાજ્યોમાં શિક્ષણ અગ્રક્રમે છે. આપણે આગળ જવાની વાત અત્યારે થંભી ગઈ છે, જ્યાં છીએ ત્યાં ટકવા માટે મથવાનું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang