• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પૂર્વ કચ્છમાં 222 જોડાણમાં વીજચોરીનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છમાં વિવિધ સ્થળોએ વીજચોરી કરતા તત્ત્વો સામે કાર્યવાહી કરવા માટે સઘન ઝુંબેશ આદરી હતી. આ કાર્યવાહી દરમ્યાન સેંકડો વીજજોડાણમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ ઝુંબેશ દરમ્યાન શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારનાં વધુ પ્રમાણમાં વીજચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. વીજચોરી મામલે કરોડથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વીજચોરીના વધતા દૂષણનાં કારણે વીજતંત્રને ભારે આર્થિક ફટકો સહન કરવો પડે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત  વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રાજિંદી કામગીરી ઉપરાંત આવા તત્ત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. તદ્ઉપરાંત વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ રીતે તપાસ કરવામાં આવી રહી છે. પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલઆંખ કરી છે. નિગમિત કચેરીના મુખ્ય ઈજનેર અને અંજાર વર્તુળ કચેરીના વિશેષ મુખ્ય ઈજનેર તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છના ચારેય તાલુકાના અનેક વિસ્તારોમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચાકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્ત્વો સામે કડક રૂખ અપનાવવામાં આવ્યું હતું. ગત સપ્તાહમાં હાથ ધરાયેલી  ઇન્સ્ટોલેશન ચાકિંગ ડ્રાઈવના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લાની અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિભાગીય કચેરી હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 27 જેટલી વીજચાકિંગ ટીમો દ્વારા વીજચાકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 1541 જેટલાં વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતાં, જે પૈકી 222 વીજજોડાણમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડી હતી. આ કાર્યવાહી દરમ્યાન અંદાજિત કુલ રૂા. 2.32 કરોડની દંડનીય આકારણીનાં બિલ ફટકારવામાં આવ્યાં હતાં, જેમાં અંજાર અને ભચાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ ચાંદરાણી, ખંભરા, ખારા પસવારિયા, વિડી, સંઘડ, તુણા, કિડાણા, મીઠીરોહર, લાકડિયા અને કુડા ગામોમાં સૌથી વધુ વીજચોરી પકડવામાં આવી હતી. આગામી દિવસોમાં ચાકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ વિજિલન્સની ટુકડી દ્વારા વાગડમાં ગ્રામ્ય તેમજ હાઇવે હોટેલોની માતબર રકમની વીજચોરી પકડી હતી, પરંતુ  આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાથી ફરી વીજચોરીની પરિસ્થતિ જૈસે થે જેવી જ રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang