• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

માધાપર પોલીસ મથકમાં જ મારામારી

ભુજ, તા. 21 : ગઇકાલે રાત્રે માધાપરના જૂનાવાસના મહિલા સરપંચ અને અન્ય જૂથ વચ્ચે માથાકૂટ બાદ બન્ને જૂથ માધાપર પોલીસ મથકે પહોંચતાં ત્યાં પણ સામસામે આવી જતાં બબાલ સર્જાઇ હતી. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. માધાપર પોલીસ મથકની લોબીમાં જ સર્જાયેલી હાથાપાઇના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી હતી. માધાપરમાં ગઇકાલે રાત્રે થયેલા ઝઘડા અંગે જૂનાવાસના સરપંચ ગંગાબેન નારાણભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 20-10ના રાત્રે 10 વાગ્યાના અરસામાં તેઓ તેના પતિ અને પૌત્રી સાથે પગે જતાં હતાં, ત્યારે હોટેલ રિલેક્સ પાસે આરોપી શામજી ઉર્ફે જીતુ માલશી મહેશ્વરી ત્યાં અન્ય ત્રણેક માણસ સાથે બેઠો હતો અને ગાળો બોલતો હતો, આથી ફરિયાદીએ કહ્યું કે, અહીં બહેનોની અવર-જવર હોય છે, આથી ગાળો ન બોલો... આથી ઉશ્કેરાઇ બોલ્યો હું તમને જ ગાળો આપું છું, થાય તે કરી લો અને ફરિયાદીને ધક્કો મારતાં ફરિયાદીએ તેડેલી પૌત્રી સાથે જમીન ઉપર પડી જતાં મૂઢમારની ઇજા થઇ હતી. પતિ છોડાવવા વચ્ચે પડતાં જીતુ ત્યાંથી ભાગી ગયો હતો. આ બાદ આ બાબતે પરિજનો સાથે માધાપર પોલીસ મથકે આવતાં ત્યાં અમારી પાછળ આરોપી જીતુ તથા અન્ય આરોપીઓ મુકેશ ડાયા  મહેશ્વરી, આતુ પાંચાભાઇ મહેશ્વરી અને અન્ય તેઓની સાથેના પાંચેક માણસ ત્યાં આવી શામજી ઉર્ફે જીતુએ લાકડાંનો ધોકો ફરિયાદીના ભત્રીજા હરેશને ઘૂંટણમાં માર્યો અને મુકેશે ઊંધી કુહાડીથી ફરિયાદીના ભાણેજ હિરેનને માથાંમાં મારી અને આતુ તથા અન્યોએ ફરિયાદીના દીકરા દિનેશને ધકબૂશટનો માર માર્યો હતો. બીજી તરફ સામા પક્ષે શામજી ઉર્ફે જીતુ માલશીભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉ માધાપર મહેશ્વરી સમાજના પ્રમુખે માધાપર જૂનાવાસ ગ્રા.પં.ના વોર્ડ નં. 12ના સભ્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી, જેના અનુસંધાને આગેવાનોએ ફરિયાદ નહીં લેવા માટે વાંધા અરજી આપી હતી, જે વાતના મનદુ:ખમાં ગઇકાલે રાજવી ફર્નિચર પાસે રાત્રે આરોપી ગંગાબેન તથા તેના પતિ નારાણભાઇ પસાર થતા હતા અને ફરિયાદીને જોઇ કહ્યું કે, તમે સમાજની સાથે રહેતા નથી અને ગાળો આપી હતી. નારાણભાઇનો દીકરો નીતિન અને આરોપી ખીમજી કાનજી મહેશ્વરી અને હિરેન ખીમજી મહેશ્વરી હાથમાં ધોકા-પાઇપ લઇ આવી પાંચે જણે માર માર્યો હતો. લોકોની મારથી ફરિયાદી ઘરે ભાગી ગયા હતા. આ બાદ પિતા તથા કાકાઇ ભાઇઓ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતાં ત્યાં પણ આ પાંચેય હાજર હતા અને અમોને ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. ફરિયાદીએ ગંગાબેન નારાણભાઇ, ધનજીભાઇ મહેશ્વરી તેમના પુત્ર નીતિન, ખીમજી કાનજી મહેશ્વરી અને હિરેન ખીમજી મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આમ માધાપર પોલીસ મથકમાં પોલીસની હાજરી વચ્ચે સર્જાયેલી આ બબાલની બન્ને પક્ષોની ફરિયાદ મહાવ્યથા સહિતની વિવિધ કલમો તળે નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મથકની લોબીમાં સર્જાયેલી બબાલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર પ્રસરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang