• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પૂણેમાં ટોસ બનશે બોસ ; બેટધરોની કસોટી

પૂણે, તા. 21 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર ટોચ પર ચાલી રહેલી ટીમ ઇન્ડિયાને બેંગ્લુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના હાથે 8 વિકેટે આંચકારૂપ હાર મળી હતી. મેચના પહેલા દિવસે ઓવરકાસ્ટ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાનો 46 રનમાં શરમજનક ધબડકો થયો હતો. બાદમાં કિવીઝ ટીમે ભારતની ધરતી પર 36 વર્ષ પછી ટેસ્ટમાં જીત મેળવી હતી. 3 મેચની શ્રેણીમાં 0-1થી પાછળ ટીમ ઇન્ડિયા હવે ગુરુવારથી પૂણે ખાતે બીજી ટેસ્ટ રમશે, જેમાં રોહિત શર્માની ટીમ પલટવાર કરવા તૈયાર છે. પૂણેનું મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનનું સ્ટેડિયમ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટની યજમાની માટે તૈયાર છે. આ સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઇ છે, જેમાં પહેલાં બેટિંગ કરનાર ટીમને વિજય પ્રાપ્ત થયો છે. એટલે અહીં ટોસ જીતવો ઘણો મહત્ત્વનો છે. અહીં પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 430 રન છે, જ્યારે બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 190 છે. ત્રીજી ઇનિંગ્સનો 237 અને ચોથી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર ફકત 107 રન છે. અહીં સૌથી મોટો સ્કોર ટીમ ઇન્ડિયાના નામે છે. દ. આફ્રિકા વિરૂધ્ધ પ વિકેટે 601 રન કર્યા હતા. સૌથી ઓછો સ્કોર ઓસ્ટ્રેલિયાનાં નામે છે. તેનો 10પ રનમાં ધબડકો થયો હતો. પૂણેની પીચ પર ચોથી ઇનિંગ્સમાં રન કરવા ઘણા કઠિન હોય છે. કારણ કે પીચ ખતરનાક ટર્ન કરે છે અને સ્પિનરોને વધુ મદદ મળે છે. આ સ્ટેડિયમ સહારા સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે. 2017માં કોહલીની કપ્તાનીમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 333 રને કારમી હાર મળી હતી. બાદમાં 2019માં દ. આફ્રિકા સામે એક ઇનિંગ્સ અને 137 રનથી જીત મેળવી હતી. આ મેચમાં કોહલીએ અણનમ 2પ4 રનની ઇનિંગ્સ રમી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang