• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સીમાએ શાંતિનો સૂર્ય ; ભારત-ચીન વચ્ચે સુમેળ

નવી દિલ્હી, તા. 21 : પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે 45 મહિનાથી ચાલતા સરહદ વિવાદમાં તણાવ ઘટાડવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા માટે થયેલી આ મહત્ત્વની સમજૂતીમાં ભારત અને ચીનની સેના ફરીથી પેટ્રોલિંગ માટે નિશ્ચિત વ્યવસ્થા ઊભી કરવા સાથે દળો ઘટાડવા અને પાછા ખેંચવા માટે પણ સહમત થઈ ગઈ છે. આ સમજૂતીની જાહેરાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, વર્ષ 2020માં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બનેલી ઘટનાઓ બાદથી અમે સૈન્ય અને રાજદ્વારી સ્તરે ચીન પક્ષ સાથે સતત સંપર્કમાં છીએ. બન્ને દેશ વચ્ચે ડબલ્યુએમસીસી અને લશ્કરી કમાન્ડર સ્તરે અનેક તબક્કાની વાટાઘાટો થઈ. આ સંવાદ કવાયતને કારણે ઘણા મોરચે સંઘર્ષો અને તણાવને ઉકેલવામાં સફળતા મળી છે. જો કે, કેટલાક મુદ્દાઓ પર મતભેદ હતા. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં થયેલી વાતચીત બાદ ભારત-ચીન સરહદી વિસ્તારમાં સૈન્ય પેટ્રાલિંગની વ્યવસ્થા અંગે સમજૂતી થઈ છે. પરિણામે, લશ્કરી આમને-સામને જેવી સ્થિતિ હવે ઉકેલાઈ ગઈ છે. ભારત-ચીન સરહદી તણાવ પર સમજૂતીના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ આ અઠવાડિયે રશિયાના કઝાનમાં મુલાકાત કરશે. વિદેશ સચિવે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનાપિંગ વચ્ચેની બેઠકની પુષ્ટિ કરી નથી, પરંતુ આ શક્યતાને નકારી નથી. લશ્કરી અથડામણ અને તણાવને કારણે પેટ્રાલિંગની હદ અંગે બન્ને પક્ષ વચ્ચે ઘેરા મતભેદ ઊભા થઈ ગયા હતા. ભારતની જમીન પર સતત કબજો વધારવાના ચીનના ઇરાદા અંગે પણ પ્રશ્નો ઊભા થયા હતા. આવી સ્થિતિમાં, ભારતે તે જ ભાષામાં લશ્કરી દાવપેચોનો જવાબ આપ્યો અને ચીનને ટેબલ પર કરાર પર હસ્તાક્ષર કરવાના બિંદુ પર લાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં આમંત્રણ પર 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આવતીકાલે કઝાન માટે રવાના થશે. આ પરિષદની થીમ વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયતાને મજબૂત બનાવવી છે. ભારત બ્રિક્સમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે અને આર્થિક અને ટકાઉ વિકાસ, વૈશ્વિક શાસન સુધારા વગેરે જેવાં ક્ષેત્રોમાં બ્રિક્સ પ્રયાસોને આકાર આપવામાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ગયાં વર્ષે જોહાનિસબર્ગમાં બ્રિક્સનાં વિસ્તરણ બાદ આ પ્રથમ શિખર સંમેલન હશે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે એલએસી વિવાદ પર ચીન સાથેના કરાર વિશે વાત કરતાં કહ્યું હતું કે, વિદેશ સચિવે જે કહ્યું છે, હું પણ તે જ કહી શકું છું. અમે (ચીન સાથે) એક સમજૂતી પર પહોંચ્યા છીએ. આપણે કહી શકીએ કે ચીનનાં સૈનિકોની વાપસી પૂરી થઈ ગઈ છે અને સમય આવ્યે તેની વિગતો પણ સામે આવશે. એન.ડી.ટી.વી.ના એક કાર્યક્રમમાં વાસ્તવિક અંકુશરેખા વિવાદ વિશે વિસ્તૃત રીતે બોલતા, વિદેશમંત્રી જયશંકરે કહ્યું, આપણે 2020માં જે રીતે પેટ્રાલિંગ કરી રહ્યા હતા તે રીતે પાછા જઈ શકીશું. પેટ્રાલિંગ અંગે એક સમજૂતી પર પહોંચ્યા છીએ અને અમે 2020 ની સ્થિતિમાં પાછા આવી ગયા છીએ. આ સાથે આપણે કહી શકીએ કે ચીન સાથે ડિસએન્ગેજમેન્ટ પૂર્ણ થઈ ગયું છે. તંગદિલી ઉકેલવામાં આ પ્રગતિ ધીરજ અને મક્કમ કૂટનીતિને કારણે શક્ય બની છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang