• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ધોરડોના વિકાસ માટે વિશેષ પેકેજની માંગ

પ્રકાશ જ્હા દ્વારા : ગાંધીનગર, તા. 21 : કચ્છ વિસ્તારની દૃષ્ટિએ વિશાળ હોવાથી સીમતળના વિકાસનાં કામોને મંજૂરી આપવા તેમજ ધોરડોના વિકાસ માટે 2050ની વસ્તીને ધ્યાને રાખી વિશેષ પેકેજ આપવા નાણાપંચ સમક્ષ માંગ કરવામાં આવી હતી. 16મા નાણાપંચ દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ 2011ની વસ્તીગણતરીનાં પરિણામોને આધારે આપવામાં આવે છે, જે યોગ્ય નથી, હાલની વસ્તીના ધોરણે ફાળવવી જોઈએ, તો કચ્છના ધોરડોના સરપંચે 2050ની વસ્તીને ધ્યાને રાખી ગ્રાન્ટ ફાળવણી કરવી જોઈએ તેવી માંગ કરી હતી. આજે ગુજરાતની મુલાકાતે આવેલા 16મા નાણાપંચ સમક્ષ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ મંડળમાં કચ્છના ધોરડો  તેમજ કુનરિયાના સરપંચનો સમાવેશ થતો હતો. કુનરિયાના મહિલા સરપંચ રશ્મિબેન સુરેશભાઈ છાંગાએ ખૂબ જ અસરકારક રજૂઆતો કરી પંચના સભ્યો પર છવાઈ ગયા હતા. રાષ્ટ્રભાષા હિન્દીમાં રજૂઆત કરતાં તેમણે જણાવ્યું કે, ટાઈડ ગ્રાન્ટમાંથી 25 ટકા જેટલી રકમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે નવી થીમ છે, તેમાંથી જે થીમ માટે  સંકલ્પ કર્યો હોય તે ગામે તેના માટે અલગ ફાળવવામાં આવે તે જરૂરી છે. તેણીએ એવી પણ રજૂઆત કરી હતી કે, કચ્છ એ વિસ્તારની દૃષ્ટિએ વિશાળ છે. આ ગ્રાન્ટમાંથી જે વિકાસકામો હાથ ધરવાના થાય છે, ત્યારે ગામતળ ઉપરાંત સીમતળના વિકાસનાં કામોને પણ મંજૂરી આપવી જોઈએ. રશ્મિબેને એવી પણ રજૂઆત કરી હતી કે, આંગણવાડીમાં બાળકો બપોર સુધી જ રાખવામાં આવે છે, જ્યારે હવે દીકરીઓ અને મહિલાઓ પણ નોકરી કરતી થઈ છે તેમજ વાણિજ્ય ક્ષેત્રમાં પણ આગળ વધી છે, ત્યારે બાળકોની સંભાળ આખા દિવસ દરમ્યાન રાખવા માટે બાળસંભાળ કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારમાં ઊભા કરવા અલાયદી ગ્રાન્ટ ફાળવવામાં આવે તે જરૂરી છે. કચ્છનું ધોરડો ગામ જે રણોત્સવને લઈ 2005 પછી વિકાસ પામ્યું છે ત્યારે અહીં આગામી વિકાસકામોને લઈ વિષેશ ગ્રાન્ટ સાથેનું પેકેજ આપવામાં આવે તેમજ 2011ની વસ્તીના ધોરણે નહીં પણ હાલની વસ્તીના ભારણને ધ્યાનમાં લઈ 2050ની વસ્તીને નજર સમક્ષ રાખી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang