• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

નિશાન પર વિમાન

વિમાનનું અપહરણ કરીને અપરાધીઓને છોડાવવાની ઘટનાઓ હવે ભૂલાઈ ગઈ છે, પણ વિમાનમાં બોમ્બ મુકાયાની ખોટી માહિતી આપીને પ્રવાસીઓ અને જાહેરજનતામાં ભય અને આશંકા જગાવવાની વૃત્તિ આતંકવાદી પ્રવૃત્તિનો જ ભાગ છે. તાજેતરમાં આવી બોમ્બ-અફવાના કારણે વિમાન વ્યવહાર ખોરવાયાનો-વિલંબ થવાના અનુભવ થયા છે. પ્રવાસીઓમાં દહેશત પણ વધી છે. વિમાનોમાં બોમ્બની ધમકી અને અફવાઓ વચ્ચે કેન્દ્રએ વિભિન્ન ઉડ્ડયનોના સ્કાય માર્શલોની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લીધો છે. આ દરમ્યાન દિલ્હીમાં આઈજીઆઈ એરપોર્ટ પોલીસે ઉડ્ડયનોની સુરક્ષા ભયમાં મૂકવા માટે એફઆરઆઈ પણ નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ ઉપર આ મહિને અત્યાર સુધી વિમાનોમાં બોમ્બના આઠ ખોટા સંદેશા મળ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સને એનએસજીની આતંકવાદી અને વિમાન અપહરણ વિરોધી ગતિવિધિઓમાં દક્ષ ટુકડીઓના હથિયારધારક જવાનો સાદા પહેરવેશમાં સ્કાય માર્શલ કેટલાક આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોના ઉડ્ડયનોમાં તહેનાત કરવામાં આવે છે, તેઓ સામાન્ય યાત્રી તરીકે હોય છે. મંત્રાલયે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, નાગરિક ઉડ્ડયન બ્યૂરો, રાષ્ટ્રીય તપાસ એજન્સી અને જાસૂસી બ્યૂરોના રિપોર્ટ માગ્યા છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ કહ્યું છે કે, સરકારી એજન્સીઓ ધમકી આપનારા ફોન કોલ કે સોશિયલ મીડિયા ખાતાઓની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસે ત્રણ વિમાનમાં આવી ધમકીના કેસમાં એક સગીર વયની વ્યક્તિની ધરપકડ કરી છે. અન્ય લોકોની શોધ ચાલી રહી છે. આવી ઘટનાઓને લઈ પેસેન્જરોનાં મનમાં આશંકા ઉપજે છે, ઉપરાંત વિમાન ગંતવ્ય સુધી પહોંચવામાં પણ વિલંબ થાય છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ. જો કે, એ સમજવું કઠિન છે કે, ઈ-મેઈલ કે સોશિયલ નેટવર્ક સાઈટ દ્વારા વિમાનમાં બોમ્બ મુકાયાની ખબર આપી ખળભળાટ મચાવી દેનારા તત્ત્વો સુધી પહોંચવામાં મુશ્કેલી શા માટે આવી રહી છે ? શું આપણી પાસે એવા ઉપાયો નથી કે જેનાથી આવા તત્ત્વો સુધી આસાનીથી પહોંચી શકાય? ખોટી ખબરો આપી વિમાન સેવાઓના સંચાલનને ખોરવી નાખવું એક ગંભીર સાયબર ગુનો છે. ભારત પોતાના ઘરઆંગણે વિદેશોનાં વિમાનોનું નેટવર્ક વધારી રહ્યું છે. ભારતની આ પ્રગતિ અનેક દેશોને આંખમાં કણાની માફક ખૂંચી રહી છે. આને લઈ વિમાનમાં બોમ્બ અને વિમાન બોમ્બથી ઊડાવી મૂકવાની ધમકી પાછળ વિદેશી તત્ત્વો છે કે નહીં તેની તપાસ કરાતાં કેટલાંક વિદેશી ધરતી પર કનેક્શન નીકળ્યાં છે. આની પાછળનો હેતુ ભારતદ્વેષ પણ હોઇ શકે. ભારતની મક્કમ મોદી સરકાર ગેરવ્યાજબી બાબતો સામે નમતી નથી. એ દ્વેષ મનમાં રાખીને અમુક તત્ત્વો આવા ઉધામા કરતા હોવાની સંભાવના પણ નકારી શકાય નહીં, પણ હવે તેનો અંત આવવો જોઇએ અને આમ કરનારાઓ માટે આકરી સજાની જોગવાઈ થવી જોઇએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang