• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

કચ્છમાં એક વધુ ગંભીર ઔદ્યોગિક અકસ્માત

કોઇ યુવાન કે અનુભવી વ્યક્તિ સારી કંપની કે ઉદ્યોગગૃહમાં નોકરી મેળવે એટલે જીવનનો જંગ જીતી લીધાની ધરપત થાય છે, પરંતુ કાર્યસ્થળે અકસ્માતનું જોખમ અને કેટલાક કિસ્સામાં સુરક્ષાના માપદંડો પ્રત્યે નિષ્કાળજી કે બિનજરૂરી ખતરો વહોરી લેવાની ભૂલ જેવા કિસ્સાઓમાં જિંદગીનો અંત આવી જતો હોય છે. આવી જ એક ભયાનક દુર્ઘટના કંડલા ખાતે બની છે. ભૂકંપ પછી કચ્છને આર્થિક રીતે ધબકતું કરવા ટેક્સ હોલિડે જાહેર થયા પછી અબજોનાં મૂડીરોકાણ સાથે નવા ઉદ્યોગો શરૂ થયા. કચ્છની જાણે કાયાપલટ થઇ ગઇ,?પરંતુ એ ફાયદાની સાથે કારખાના કે ઔદ્યોગિક એકમોમાં થતા ગંભીર અકસ્માતોમાં જીવનદીપ બુઝાઇ જવો કે આજીવન વિકલાંગતા આવી જવી જેવા ગેરફાયદાએ થયા છે. કંડલા સ્થિત ઇમામી એગ્રોટેક લિમિટેડમાં પાંચ શ્રમિકનાં મોત થયાના બનાવે ભારે અરેરાટી જગાવી છે. વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા સ્માર્ટ ઇન્ટેલિજન્સ પોર્ટ સિટીમાં આવેલી આ પહેલી અને એકમાત્ર કંપની છે જે તેલ અને ઘી બનાવે છે. ચારેક ટેન્કમાં તેલની પ્રોસેસ થાય છે. તેમાંથી નીકળતા કદડા (સ્લજ)ને ભચાઉ તરફની ફેક્ટરીમાં સળગાવવા માટે મોકલવામાં આવે છે. મધરાતના સમયે સ્લજ નીકળે છે કે નહીં એ ચેક કરવા અથવા તો સફાઇ માટે શ્રમિકો અંદર ઊતરતાં તેમને ગેસની અસર થઇ. એ પછી બોઇલર ઓપરેટર પણ ઊતરતાં તેમને પણ અસર થઇ અને અંતે એ તમામનાં મૃત્યુ થયાં. આવા ગોઝારા બનાવની જવાબદારી કોની એ પ્રશ્ન ગંભીર છે. કંપનીના સત્તાવાળાઓએ પાંચ હતભાગી પરિવારને રૂા. 15-15 લાખનું વળતર આપવાનું નક્કી કર્યું છે, પરંતુ જીવન અમૂલ્ય હોય છે, એની કિંમત આંકી ન શકાય. જે પાંચ વ્યક્તિની અણધારી જીવનડોર કપાઇ એમના પરિવારનું શું ? એમના સંતાનોના ભવિષ્યનું શું ? પત્ની, માતા-પિતા, ભાઇ-બહેન, અન્ય સ્નેહીજનોને જે ખોટ?પડી એ કોણ ભરપાઇ કરશે ? આ ઘટનાનાં કારણો તપાસનો વિષય છે. કંપની સત્તાવાળાઓની બેદરકારી છે કે નહીં, નિયમોનું પાલન થયું છે કે નહીં એ સંબંધિત સત્તાવાળાઓ નક્કી કરશે, પરંતુ કચ્છ સ્થિત કંપનીઓમાં બનતા જીવલેણ બનાવોએ ભારે ચિંતા જગાવી છે. આમ પણ ઔદ્યોગિક કામદારોની સુરક્ષાનો મુદ્દો જૂનો છે. અગાઉ ધમડકા પાસેની એક કંપનીમાં ધડાકો થતાં આગમાં ત્રણ લોકોના જીવ ગયા હતા. એવી જ રીતે ખીરસરા, કાસેઝના અમુક એકમોમાં પણ કમનસીબ બનાવો નોંધાયા છે. એક ચોંકાવનારી હકીકત એ પણ છે કે, સામખિયાળીથી મુંદરા સુધી પથરાયેલા સેંકડો ઉદ્યોગોમાં નાના-મોટા અકસ્માત છાસવારે બને છે. કેટલીયવાર ઇજા કે વિકલાંગતા જેવા કિસ્સા તો બહાર પણ?નથી આવતા. અંદરોઅંદર મામલો રફેદફે કરી દેવામાં આવે છે. ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારી ઓછી છે. હજારો કર્મચારીઓ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ કે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના છે. તેમને વતન મોકલી દેવામાં આવે છે.માનવી કચ્છનો હોય કે બિનકચ્છી, જીવન સૌ માટે સરખું છે અને તેની સુરક્ષિતતાની જવાબદારી ઔદ્યોગિક એકમોની, સંબંધિત સરકારી તંત્રની બને છે. કંડલાના બનાવમાં જીવન ગુમાવનારા પાંચ જણના કમનસીબ બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઇએ. એટલું જ નહીં, કચ્છભરમાં કાર્યરત એકમોને કડક સંદેશ આપીને કામદારોની સુરક્ષાના માપદંડોનું ચુસ્ત પાલન થાય એ સુનિશ્ચિત કરવું જોઇએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang