ભુજ, તા. 5 : અહીંના
ગીતા જયંતી મહોત્સવના છઠ્ઠા દિવસે નૃત્ય નાટિકાથી ટાઉનહોલ ગૂંજી ઊઠયો હતો.
શુક્રવારના મહોત્સવની શરૂઆત `આરંભ' અને `હેલ્લારો' કૃતિ નુપૂર ડાન્સ
એકેડમી-વૈશાલીબેન અને ટીમ દ્વારા રજૂ કરાઈ હતી. સમુદ્રમંથન નાટિકા યેશા વત્સલ
ઠક્કર દ્વારા પ્રસ્તુત કરાઈ હતી. કાર્યક્રમ દરમ્યાન વિનોદભાઇ સોલંકી, મનોજભાઈ સોલંકી, યેશા ઠક્કર, ચાંદની
ઠક્કર, વૈશાલીબેન સોલંકી, પંકજભાઈ ઝાલા
સહિતનાઓનું સન્માન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી દ્વારા કરાયું હતું. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ કહ્યું કે,
સૌથી વધુ અમને આત્મહત્યાથી વાંધો છે, શ્રેષ્ઠ
કર્મ કરવા માટે શરીર જોઈશે. જો ભૂલ થઇ ગઈ, તો પણ આત્મહત્યા
કોઈ અંતિમ રસ્તો નથી. વાલિયો લૂંટારો જો વાલ્મીકિ ઋષિ બની શકતો હોય, તો વ્યક્તિ કેમ નહીં ? સ્વામીજીએ જીવનનું મહત્ત્વ
સમજાવતાં કહ્યું કે, મનુષ્ય જન્મ મળ્યાનો આનંદ હોવો જોઈએ.
સુઘરી પક્ષીનું દૃષ્ટાંત આપીને પ્રાણી-પક્ષી સૌમાં બુદ્ધિમત્તા હોવાનું જણાવી
કહ્યું કે, મનુષ્યમાં માત્ર વિવેકબુદ્ધિ છે. સ્વામીજીએ
વધુમાં કહ્યું કે, ગુસ્સાનું મુખ્ય કારણ પીડા છે, આ પીડાને સહન કરી જાઓ એટલે તમે ગુસ્સા પર નિયંત્રણ મેળવી ચૂક્યા છો.
મહોત્સવના પાંચમા દિવસે કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદીએ વિવિધ માનવીય સંબંધો
અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. શ્રેષ્ઠ મિત્રતાનો સંબંધ, માતા-પિતા
સાથે સંતાનનો સંબંધ, પાડોશીઓ વચ્ચેનો સંબંધ, દીકરી-બાપના
સંબંધો, ભાઇ-બહેનનો
સંબંધનાં વિવિધ ઉદાહરણો આપી સંબંધોની સુંદરતા અને મર્યાદા તેમજ સંસ્કારોની વાતો
પ્રસ્તુત કરી હતી. તત્ત્વજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને સરળ ભાષામાં સ્વની
ઓળખ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો હતો.