ક્રાઇસ્ટચર્ચ, તા. પ : મિડલ ઓર્ડર બેટર
શાઇ હોપની ચોથી ઇનિંગ્સમાં લડાયક સદી છતાં ન્યૂઝીલેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ
ટેસ્ટ મેચમાં હાર ભણી ધકેલાઇ રહ્યું છે. પ31 રનના એવરેસ્ટ સમાન વિજય લક્ષ્યનો
પીછો કરતા ચોથા દિવસની રમતના અંતે વેસ્ટ ઇન્ડિઝના 74 ઓવરમાં ચાર વિકેટે 212 રન
થયા હતા. તે હજુ ન્યૂઝીલેન્ડથી 319 રન પાછળ છે. આજની રમત બંધ રહી, ત્યારે શાઇ હોપ કેરિયરની
ચોથી સદી ફટકારી 183 દડામાં 1પ ચોગ્ગા, એક છગ્ગાથી 116 રને
નોટઆઉટ રહ્યો હતો. તેના સાથમાં જસ્ટિન ગ્રીવ્સ 143 દડામાં છ ચોગ્ગાથી પપ રને દાવમાં
રહ્યો હતો. આ બંને વચ્ચે પાંચમી વિકેટની ભાગીદારીમાં 140 રનનો
ઉમેરો થઈ ચૂક્યો છે. આ પહેલા આજે ન્યૂઝીલેન્ડે તેનો બીજો દાવ આઠ વિકેટે 466 રને
ડિક્લેર કર્યો હતો, જેમાં રચિન રવીન્દ્રના 176 અને કેપ્ટન ટોમ લાથમના 14પ રન
મુખ્ય હતા. શાઇ હોપની આંખમાં ઇન્ફેક્શન હતું. આથી તેણે ગોગલ્સ પહેરીને બેટિંગ કરી
હતી. આમ છતાં તેને કિવિઝ બોલરોને હંફાવીને લડાયક સદી કરી હતી. એક સમયે 72 રનમાં
ચાર વિકેટ પડી ગઈ હતી. આ પછી હોપ અને ગ્રીવ્સે વિન્ડિઝના દાવને સ્થિરતા આપી
હતી. સ્કોર ચાર વિકેટે 212 રન
સુધી પહોંચાડી દીધો હતો. પહેલી ટેસ્ટના આખરી દિવસે આ જોડી પણ વિન્ડિઝનો મદાર
રહેશે. ડફીને બે વિકેટ મળી હતી.