ગાંધીધામ, તા. 5 : મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા ગાંધીધામની મુખ્ય બજાર તથા વોર્ડ 12-બી, 400 ક્વાર્ટર, કલેકટર રોડ, સેક્ટર-1, ગુરુકુલ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી
કર્યા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા આદિપુરમાં દબાણો ઉપર કાર્યવાહી કરવાની તૈયારી કરાઈ
છે. અઠવાડિયા દરમિયાન આદિપુરના અલગ અલગ વિસ્તારોમાં લગભગ 330થી વધુને નોટિસ ફટકારવામાં આવી છે કોલેજ રોડથી લઈને
મદનાસિંહ સર્કલ ત્યાંથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધી 150થી
વધુને નોટિસો આપ્યા બાદ બે દિવસમાં આદિપુરની 64 બજારમાં
180 દબાણકારને નોટિસ ફટકારીને સમયમર્યાદાની અંદર અતિક્રમણ
દૂર કરવા માટેની સૂચના આપી છે. અહીં બજારમાં ગેરકાયદે થયેલાં દબાણોના કારણે ટ્રાફિક
સહિતની સમસ્યા સર્જાઇ રહે છે. દબાણોની વ્યાપક
ફરિયાદો હતી અને મહાનગરપાલિકાને કામગીરીમાં પણ દબાણ નડતરરૂપ છે, જેના પગલે દબાણ હટાવ શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સમયમર્યાદાની અંદર
અતિક્રમણ દૂર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. સોમવારે અહીં બુલડોઝરથી કાર્યવાહી
થાય તેવી સંભાવનાઓ છે. વહીવટી તંત્રએ નોટિસો આપ્યા પછી લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું
શરૂ કર્યું છે, પરંતુ હજુ ઘણા દબાણકારો પોતે કરેલાં દબાણ દૂર
કરતા નથી, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા જેસીબીથી તે દબાણને
દૂર કરવામાં આવશે. થોડાક સમયમાં આદિપુરમાં
ઝંડાચોકનું નવીનીકરણ કરી તેને વિકસિત કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ગાંધીધામ-આદિપુર ઝંડાચોક
તેમજ લીલાશાહ સર્કલના વિકાસ માટે આર્થિક યોગદાન આપવામાં આવનારું છે. આ કામો થોડા સમયમાં શરૂ થશે અને એટલા માટે જ આદિપુરમાં
દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અઠવાડિયા દરમિયાન લગભગ સાડા ત્રણસોની આસપાસ
નોટિસ આપી છે અને હવે તે દબાણો દૂર કરવામાં આવશે.