• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

મિરજાપર લેવા પટેલ સમાજ મહોત્સવે ગામ ગાજ્યું

કેરા (તા. ભુજ), તા. 5 : એક સમયે સમગ્ર ચોવીસીના લેવા પટેલ જ્ઞાતિનું સામાજિક નેતૃત્વ જેણે નોંધપાત્ર રીતે કર્યું તેવાં મિરજાપર ગામ ખાતે લેવા પટેલ સમાજનાં નૂતન ભવનનું ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીના હસ્તે દબદબાભેર ઉદ્ઘાટન કરાયું હતું. કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક ઐક્યથી રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપતા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ પ્રગતિનાં આશીર્વાદ આપ્યાં હતાં. લેવા પટેલ જ્ઞાતિજનોની સામાજિક પ્રગતિ માટે જેણે હંમેશા સાથ-સહકાર આપ્યો હતો એવા ભુજ મંદિરના બ્રહ્મનિષ્ઠ સંતોના હસ્તે યજમાન પરિવારોને સાથે રાખી જુદી જુદી સગવડોને લોકાર્પિત કરાઇ હતી. આ પ્રસંગે વડીલોને યાદ કરાયા હતા. વહાણની પ્રતિકૃતિ સાથેના ફલોટ્સમાં ઠાકોરજી, સંતો અને યજમાન પરિવારો હતા, તો સાથે કળશધારી બહેનો, સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇના ઘેરાઘાટા ભગવા નેજા હેઠળ ત્યાગી ફઇઓ સાથે સામૈયું યોજાયું હતું. દેશ-વિદેશના લેવા પટેલ આગેવાનેની હાજરીથી મિરજાપરનો પ્રસંગ વધુ લાગણીભીનો બન્યો હતો. સંતોએ શાત્રોક્ત કથા સાથે ભગવાનના ગુણ વર્ણવ્યા હતા. સભાપતિ શાત્રી અક્ષરપ્રકાશ-દાસજી સ્વામીએ દાતાઓની પહેરામણી કરાવી હતી, તો ભુજ મંદિરના વહીવટી કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, ગોલોકવિહારી  સ્વામી, કે. પી. સ્વામી આદિ વડીલ સંતોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. શાત્રી દેવચરણદાસજી સ્વામીએ જ્ઞાતિગૌરવ સેવામાં પરિવર્તન થાય, તો રાષ્ટ્રને મજબૂતી આપે છે એમ ઉમેર્યું હતું. લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, ઉપાધ્યક્ષ ધનસુખભાઇ સિયાણી, મંત્રી મનજીભાઇ પિંડોરિયા, સમાજમંત્રી કરશનભાઇ મેપાણી સહિતની કમિટીનું સેવા સન્માન કર્યું હતું. આ પ્રસંગે રામપર સમાજ પ્રમુખ લાલજીભાઇ વેકરિયા, સરપંચ સુરેશભાઇ કારા, ટ્રસ્ટી રવજીભાઇ ખેતાણી, અરજણભાઇ પિંડોરિયા, વેલજીભાઇ નારાણપર સહિતના હાજર રહ્યા હતા. સૌને ઉત્સવનો ખેસ પહેરાવાયો હતો. સાંખ્યયોગી બહેનોએ કર્મયોગી દાતાઓનાં સન્માન કર્યાં હતાં. ધારાસભ્ય કેશુભાઇ પટેલે `સેવા કરતા સમાજ' કહીને બિરદાવ્યો હતો. સંતોએ આશીર્વાદ આપ્યા હતા. કંપાલાથી રાજેશભાઇ હિરાણી, તાલુકા પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ચોવીસીના સામાજિક આગેવાન અરવિંદભાઇ લાલજી પિંડોરિયા સહિતના અનેક સંસ્થાઓના કાર્યકરો, દાતાઓ હાજર રહ્યા હતા. રાત્રે સરસ્વતી સન્માન યોજાયું હતું.

Panchang

dd