અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : આગામી પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત ઐતિહાસિક
સફર રજૂ કરવા જઈ રહ્યું છે. મેડમ ભિખાઈજી કામાએ વિદેશી ભૂમિ પર લહેરાવેલા પ્રથમ ધ્વજથી
લઈને આજના ત્રિરંગા સુધીની રોચક યાત્રા આ ઝાંખીમાં જોવા મળશે. આઝાદીના અમૃતકાળમાં ગાંધીજીના
ચરખા અને આજના આત્મનિર્ભર ભારતનો સમન્વય કેવો હશે તે જોવું ખરેખર અદ્ભૂત બની રહેશે.
વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ
નિમિત્તે ગુજરાત સરકારે ભારતીય રાષ્ટ્રધ્વજની ઐતિહાસિક નિર્માણયાત્રાને ટેબ્લોનાં માધ્યમથી
જીવંત કરી છે. - મેડમ ભિખાઈજી કામા અને ક્રાંતિવીરોની
ગાથા : ગુજરાતના નવસારીના પનોતા પુત્ર અને વીરાંગના
મેડમ ભિખાઈજી કામાએ વર્ષ 1907માં પેરિસની
ધરતી પર સૌપ્રથમ વંદે માતરમ લખાયેલો ધ્વજ લહેરાવ્યો હતો. આ ટેબ્લોના અગ્રભાગમાં
મેડમ કામાની પ્રતિમા સાથે શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારાસિંહ રાણા જેવા નામાંકિત ક્રાંતિવીરોની
સ્મૃતિઓને પણ વણી લેવામાં આવી છે. - ભવ્ય સાંસ્કૃતિક વારસો અને વિકાસની ઝલક જોવા મળશે : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત
આ વર્ષની વિશેષ ઝાંખીનાં નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડો. વિક્રાંત પાંડે તથા
માહિતી કમિશનર કિશોર બચાણીના કુશળ નેતૃત્વ હેઠળ,
અધિક નિયામક અરાવિંદ પટેલ, સંયુક્ત માહિતી નિયામક
ડો. સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવાની ટીમે મહત્ત્વનું યોગદાન આપ્યું
છે. ધ્વજની ડિઝાઇનમાં મહત્ત્વનો વળાંક વર્ષ 1921માં આવ્યો, જ્યારે
મછલીપટ્ટનમના યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ મહાત્મા ગાંધીનાં માર્ગદર્શન હેઠળ લાલ
અને લીલા રંગના પટ્ટા (જે પાછળથી કેસરી, સફેદ અને લીલા થયા) અને
મધ્યમાં `ચરખા' સાથેની નવી ડિઝાઈન રજૂ કરી. વર્ષ 1931માં આ ધ્વજમાં કેટલાક સુધારા
સાથે તેને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મળવાની શરૂઆત થઈ. અંતે ભારતની આઝાદીના થોડા દિવસો
પૂર્વે એટલે કે 22 જુલાઈ, 1947ના બંધારણ
સભાએ ચરખાનાં સ્થાને `અશોક ચક્ર' (ધર્મચક્ર) સાથેના વર્તમાન ત્રિરંગાને ભારતના
સત્તાવાર રાષ્ટ્રધ્વજ તરીકે ગૌરવભેર સ્વીકૃતિ આપી. - ગાંધીજીનો ચરખો અને આત્મનિર્ભર
ભારત : ટેબ્લોના અંતિમ ભાગમાં મહાત્મા ગાંધીની
ચરખા સાથેની પ્રતિમા સ્વદેશીના મંત્રને ઉજાગર કરે છે. આ ઐતિહાસિક મૂલ્યોને વડાપ્રધાન
નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડીને આધુનિક ભારતની પ્રગતિનું નિદર્શન
કરવામાં આવ્યું છે.