દુબઈ, તા. 21 : ન્યુઝીલેન્ડને ભારત ભૂમિ પર
પ્રથમવાર વન-ડે શ્રેણી જીતાડવામાં મુખ્ય યોગદાન આપનાર ડેરિલ મિચેલ હવે આઇસીસી વન-ડે
ક્રમાંકનો નંબર વન બેટધર બન્યો છે. તેણે આ સ્થાન ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીને
ખસેડીને હાંસલ કર્યું છે. કોહલી ગત સપ્તાહે લગભગ 164પ દિવસ પછી વન ડે ક્રમાંકમાં પણ ટોચનો બેટધર બન્યો હતો, પણ મિચેલે ફક્ત 7 દિવસની અંદર જ તેનું ટોચનું સ્થાન છીનવી
લીધું છે. એટલું જ નહીં મિચેલે અને વિરાટ સામે રેટિંગ પોઇન્ટની સરસાઈમાં પણ વિશાળ અંતર
મેળવી લીધું છે. વિરાટ કોહલી હાલ બીજા નંબર પર છે અને આ સ્થાને તે લાંબા સમય સુધી ટકી
રહેવાની સ્થિતિમાં છે કારણ કે ત્રીજા નંબરના અફઘાનિસ્તાનના બેટર ઇબ્રાહિમ ઝારદાન અને
તેના વચ્ચે રેટિંગ પોઇન્ટમાં મોટો તફાવત છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં ખરાબ દેખાવ
કરનાર રોહિત શર્મા ચોથા સ્થાને ટકી રહ્યો છે. મિચેલે 3 મેચની વન-ડે શ્રેણીમાં એક અર્ધસદી અને બે
સદી કરી હતી. જેનો તેને ફાયદો થયો છે. તેના હવે 84પ રેટિંગ પોઇન્ટ થયા છે જ્યારે બીજા નંબર પરના વિરાટ કોહલીનાં
ખાતામાં 79પ અંક છે. તેણે પણ ત્રીજી વન-ડેમાં સદી
કરી હતી પરંતુ રેટિંગમાં કોઈ ફાયદો થયો નથી. ઇબ્રાહિમ ઝારદાનના 764 અંક છે અને ત્રીજા નંબર પર
છે. રોહિત શર્મા 7પ7 અંક સાથે ચોથા ક્રમે છે. આ પછી શુભમન ગિલ
(723) અને બાબર આઝમ (722) છે. ખરાબ ફોર્મ છતાં શ્રેયસ
અય્યર (6પ6) 11મા ક્રમે ટકી રહ્યો છે. કે એલ રાહુલ ટોપ ટેનમાં સામેલ થયો છે.
અંતિમ વન ડેમાં સદી કરનાર ગ્લેન ફિલિપ્સ 16 સ્થાનનો કૂદકો લગાવી 20મા નંબર પર આવી ગયો છે. વન ડે બોલિંગ ક્રમાંકમાં અફઘાનિસ્તાનનો
સ્પિનર રાશિદ ખાન (710) ટોચ પર યથાવત્
છે. ઇંગ્લેન્ડનો જોફ્રા આર્ચર (670) તેની પાછળ
છે. ઓલરાઉન્ડર્સ સૂચિમાં પણ અફઘાન ખેલાડી અઝમતુલ્લા ઓમરઝાઈ પહેલાં સ્થાને છે.