• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

જી રામ જી વિરુદ્ધ ગરીબો એક થાય : કોંગ્રેસ

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 22 : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, મનરેગા રદ કરવામાં મોદી સરકારના ઈરાદા એ જ છે, જે ત્રણ કાળા કૃષિ કાયદા લાવવામાં હતા. રાહુલે ગરીબ નાગરિકોને જી રામ જી ખરડાનો વિરોધ કરવા માટે સંગઠિત થવાની અપીલ કરી હતી. નવા કાયદામાં ભાજપ શાસિત સરકારોને હંમેશાં પ્રાથમિક્તા અપાશે તેવો આરોપ તેમણે મૂક્યો હતો. ભાજપે પલટવાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસને `રામ' નામ સામે વાંધો છે. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, સંપત્તિ થોડાક લોકોના જ હાથમાં રહે, જેથી ગરીબો અદાણી-અંબાણી પર નિર્ભર રહે, તેવું ભાજપ ઈચ્છે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યો હતો કે, સરકાર મહાત્મા ગાંધીનું નામ જનમાનસમાંથી ભૂંસવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રીય મનરેગા શ્રમિક સંમેલનને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે, મનરેગા ગરીબોને અધિકાર આપવા લવાયેલી યોજના છે. ખડગેએ કહ્યું હતું કે, અમારો પક્ષ મનરેગા રદ કરવાનો મુદ્દો સંસદનાં બજેટ સત્રમાં મજબૂત રીતે ઉઠાવશે. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને એકજૂટ બની સરકારને નવો જી રામ જી કાયદો લાગુ કરવા ન દેવાની અપીલ કરી હતી. કોંગ્રેસનાં નિવેદનોનો જવાબ આપતાં ભાજપના પ્રવક્તા પ્રદીય ભંડારીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો વિરોધ આ યોજનામાં ભગવાન રામનું નામ હોવાથી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસનો પરિવાર હિન્દુ વિરોધી વલણ ધરાવે છે. કોંગ્રેસે અયોધ્યામાં રામમંદિરનો વિરોધ કર્યો, ભગવાન રામને પૌરાણિક અને કાલ્પનિક ગણાવ્યા અને હજુએ અયોધ્યા અને મહાકુંભ જેવા હિન્દુઓનાં સર્વોચ્ચ સંમેલનો આસ્થા-તીર્થસ્થાનોથી દૂર રહે છે. ચૂંટણી નજીક આવે ત્યારે રાહુલ ગાંધીને રામ યાદ આવી જાય છે, પરંતુ એમની વિચારધારામાં હિન્દુ જનતાની આસ્થાને કોઇ જ સ્થાન નથી.  

Panchang

dd