• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંદરા તા.માં બોર રિચાર્જની નવતર પહેલ

મુંદરા, તા. 22 : તાલુકાની નાગમતી નદીનાં પાણીને સરકાર અને ખાનગી કંપનીઓના સહયોગ વડે 29 બોરને જોડીને રિચાર્જ કરવાનાં નવતર કાર્યનું તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.  ભુજપુર, ઝરપરા સીમ વિસ્તારમાં જોડ તળાવ સ્થાને યોજાયેલા ખાતમુહૂર્તમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ તાલુકામાં જળ સંચયનાં કાર્યો વેગ પકડી રહ્યાંનું કહીને તેને બિરદાવવા સાથે ભવિષ્યમાં વધુને વધુ કાર્ય હાથ ધરાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિ. પં. સદસ્ય મહેન્દ્ર ગઢવીએ બોર લિંકનાં આ કાર્યને નવતર પહેલ ગણાવતાં ઉમેર્યું કે, નાગમતી નદીથી વાંકરાઇ તળાવ અને આ તળાવથી જોડ તળાવ સુધી પાણી લાવવામાં આવશે, સરકારે રૂ. 2.19 કરોડની રકમ મંજૂર કરી છે, જોડ તળાવમાં પાણી આવ્યા બાદ 27 ચાલુ બોર તેમજ બે કૂવાને રિચાર્જ કરવામાં આવશે, તળાવ - ચેકડેમમાં બોર રિચાર્જ બાદ તળ ઊંચા આવ્યાં, પરંતુ ક્યાંક ખારાશ છે, તેને દૂર કરવા માટે બોરના હોલ દ્વારા રિચાર્જની આ નવી પહેલમાં ડોર્ફ કેટલ કંપનીનું આર્થિક અનુદાન અને એકાગ્ર ફાઉન્ડેશનનો સહયોગ સાથે સાંપડયો છે. આ પ્રસંગે અંગદાન પ્રણેતા દિલીપદાદા દેશમુખ, ડોર્ફ કેટલ કંપનીના સીએસઆર હેડ સંતોષ હેગડે, એકાગ્ર ફાઉન્ડેશનના બિરેન વોરા, આઇઆઇટી દિલ્હીના પ્રો. પંકજ ગુપ્તા, જિ. પં. શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી, તા. ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા, ભુજપુર સરપંચ લક્ષ્મીબેન, ઝરપરા સરપંચ ખીમજીભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલાં માણેક ગીલવાએ સ્વાગત કર્યું હતું. આભારવિધિ માણશી ગઢવીએ કરી હતી. 

Panchang

dd