ભુજ, તા. 22 : રાજ્યમાં મતદાર યાદીની ખાસ
સઘન સુધારણા-2026 સંદર્ભે છેલ્લી ઘડીએ ફોર્મ-7 વાંધાઓની તપાસની કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ
માંગ કરી હતી. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા સંદર્ભે મુસદા મતદારયાદી પ્રસિદ્ધ થયા
બાદ સદર મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હક્ક-દાવા માટે ફોર્મ નં. 6, 7, 8 ભરવાની છેલ્લી તારીખ 18/1 નિર્ધારિત કરાઈ હતી. પરંતુ તા. 16/1ના અચાનક સમગ્ર ગુજરાતમાં મતદાર
નામ કમી કરવા માટેનું ફોર્મ નં. 7 હજારોની સંખ્યામાં
આવતા ફોર્મ-7 વાંધાઓનું સંકલિત ફાઈલિંગ દ્વારા મતદારોના
નામ કાઢી નાખવા તથા મતદાર યાદીમાં છેડછાડ કરવા માટેનું કાવતરું હોવાનો આક્ષેપ કરતા
જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની નિષ્પક્ષતા સામે પ્રશ્નો કર્યા
હતા. આ અંગે ફોર્મ નં. 7 સબમિટ કરવાના
સમયગાળાના છેલ્લા દિવસો તા. 16,17,18 જાન્યુઆરી
જેટલા ફોર્મ નં. 7 સ્વીકારવામાં
આવ્યા હોય તે બધી જ ઓફિસોના સીસીટીવી ફૂટેજ આપવા,
તપાસવા તથા જથ્થાબંધ ફોર્મ નં. 7 સ્વીકાર્યા હોય તેવા ઓફિસના અધિકારીઓની
ભૂમિકાને તપાસવા તથા કાયદાકીય પ્રક્રિયાને ઉલ્લંઘન કરતા જણાય તો ફોજદારી પગલાં લેવાની
માંગ કરી હતી. તથા રાજ્યમાં છેલ્લા દિવસોમાં જુદી-જુદી ઓફિસોમાં જમા કરાયેલા ફોર્મની
પ્રાથમિક યોગ્યતા ચકાસી કોઈ યોગ્યતા પ્રાપ્ત મતદાર મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે ગેરકાયદેસરના વાંધાઓ ફગાવીને
મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા દેવા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વી.કે. હુંબલે
માંગ કરી હતી.