• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સરકારી ભરતીમાં ધસારો

ભારતમાં સરકારી નોકરી મેળવવાની ખેવના દિવસો દિવસ વધી રહી છે. બેરોજગારોની અમાપ સંખ્યા વચ્ચે સરકારી નોકરીઓની મર્યાદિત તકોને લીધે સરકારી ભરતી સમયે નોકરીવાંચ્છુઓનો પ્રવાહ ઊમટી પડતો હોય છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલની 60 હજાર જગ્યાની ભરતી માટે 48 લાખથી વધુ અરજી આવી પડી છે. અરજી અને ખાલી જગ્યાઓ વચ્ચેનાં પ્રમાણને જોઇએ તો દર એક જગ્યા માટે 80 જણા નોકરી મેળવવા આકાશપાતાળ એક કરશે. એવું પણ નથી કે, આ ભરતીમાં અરજી કરનારા બધા જ ઉમેદવાર બેરોજગાર છે. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા યુવાનો પણ આ માટે તૈયારી કરી રહ્યા છે. સરકારી નોકરીમાં સલામતી અને સારા પગારથી યુવાનો કોઇપણ જગ્યા મળે તે માટે અરજી કરતા હોય છે. વળી ઉત્તરપ્રદેશ પોલીસની આ ભરતી માટે રાજસ્થાન, બિહાર અને ઝારખંડથી માંડીને મિઝોરમ સુધીના યુવાનોએ અરજી કરી છે. આમ તો ઉત્તર ભારતનાં રાજ્યોમાં રોજગારીનું ચિત્ર એટલું ચિંતાજનક નથી, પણ જ્યારે જ્યારે સરકારી ભરતી હોય છે, ત્યારે જે અમાપ ભીડ ઊમટી પડે છે, તેનાથી રોજગારીનો પ્રશ્ન ભારે ગંભીર હોવાની છાપ ઊભી થતી હોય છે. આવી હાલત દેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી થઇ છે. જુલાઇ મહિનામાં મુંબઇનાં વિમાનમથકે 2,216 લોડરની ભરતી સમયે 25 હજાર યુવાનોએ ધસારો કરતાં સ્થિતિ વણસી ગઇ હતી. આ નિયુક્તિ માટે અન્ય રાજ્યોના યુવાનો મુંબઇ પહોંચતાં થયેલા ધસારાને લીધે એર ઇન્ડિયાના સંબંધિત અધિકારીઓને અકસ્માતનો ભય લાગ્યો હતો. દેશભરમાં બેરોજગારીની સમસ્યા તો છે જ,તેની સાથોસાથ સારી નોકરીઓની ભારે અછત છે. રાજ્ય સરકારો એક તરફ કરકસર માટે થઇને સરકારી ખાલી જગ્યાઓને ભરવાથી દૂર રહે છે. તેની સાથોસાથ ખાનગી ક્ષેત્રની નોકરીઓની તકોને આકર્ષક બનાવવા માટે પણ પૂરતું ધ્યાન આપતી નથી. ખાનગી નોકરીઓમાં સલામતી ન હોવાની યુવાનોમાં ઘર કરી ગયેલી માન્યતાને દૂર કરવા માટે રાજ્ય સરકારોએ ખાસ વ્યવસ્થા ઊભી કરવાની ખાસ જરૂરત છે. આવી બાબતો પર સરકાર ધ્યાન આપે અને ખાનગી નોકરીઓને વધુ સલામતની સાથોસાથ આકર્ષક બનાવે તો સરકારી ભરતી સમયે ધસારાની સ્થિતિને હળવી બનાવી શકાય. આ ઉપરાંત સરકારે તેને ત્યાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી પર ધ્યાન આપવું જોઇએ. ખાસ તો પોલીસ, આરોગ્ય અને શિક્ષણ એવાં ક્ષેત્ર છે, જ્યાં ખાલી રહેતી જગ્યાઓથી આર્થિક ફાયદા કરતાં વધુ નુકસાન સરકારને ભોગવવું પડે છે. ખરેખર તો આ ત્રણે ક્ષેત્રમાં ખાલી રહેલી હજારો જગ્યાઓને ભરવાની પ્રક્રિયા રાજ્ય સરકારો તાકીદે હાથ ધરે તો તેનાથી યુવાનોને રાહત મળે, તેની સાથોસાથ સરકારની પોતાની વહીવટી સુગમતા પણ સુધરે તેમ છે.  આમ, હવે કરકસરનાં નિયંત્રણોને ચાવીરૂપ ફરજો માટે હળવાં બનાવવાની તાતી જરૂરત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang