• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં : સ્ટાર્મરનો રાહ આસાન નથી

બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે. રૂઢિચુસ્ત પક્ષ-કન્ઝર્વેટિવ પાર્ટીએ લાંબી મુદ્દત સત્તા ભોગવ્યા બાદ દેશની જનતાએ તેની નીતિ-રીતિ નામંજૂર કરીને લેબર પાર્ટીને જંગી બહુમતી સાથે વિજયી બનાવી છે. કિર સ્ટાર્મર ઋષિ સુનકના સ્થાને વડપ્રધાન બન્યા છે. આ સત્તા પરિવર્તનને બ્રિટીશ જનતા અને રાજકીય વિશ્લેષકો યુગ પરિવર્તન તરીકે જોઇ રહ્યા છે. 2022માં બ્રિટનમાં અસ્થિર રાજનીતિના દોર વચ્ચે ભારતીય મૂળના?ઋષિ સુનકે વડાપ્રધાન પદ ધારણ કર્યું હતું. કન્ઝર્વેટિવ સંસદીય પક્ષમાં તેમણે હરીફ પેનીને હાર આપીને ઇતિહાસ રચ્યો હતો. સુનક એવા સમયે વડાપ્રધાન બન્યા હતા, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા નાજૂક દોરમાંથી પસાર થઇ રહી હતી. મોંઘવારી આસમાનને આંબી રહી હતી. આ સ્થિતિને કારણે જ તેમના પુરોગામી લિઝ ટ્રસે માત્ર 40 દિવસમાં જ સત્તા છોડી દીધી હતી. એ પહેલાં બોરિસ જોનસન વડાપ્રધાન પદે હતા. કોવિડ કાળમાં પાર્ટીગેટ કૌભાંડને પગલે બોરિસે પદત્યાગ કરવો પડયો હતો. સુનકે કઠિન સમયમાં સત્તા હસ્તગત કરી, તેમણે નિષ્ઠાપૂર્વક અર્થતંત્રની ગાડી પાટે ચડાવી, મોંઘવારી પર નિયંત્રણ મૂકવામાં સફળતા મેળવી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હતું. કન્ઝર્વેટિવ કે ટોરી સરકાર પર લાગેલા ભ્રષ્ટાચાર-ગેરરીતિના આક્ષેપો જનતાના મન પર અસર કરી ચૂક્યા હતા. વળી, બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાની સમસ્યા અને પ્રવાસી સમસ્યા સુનક સરકાર યોગ્ય રીતે સુલઝાવી ન શકી. સાથોસાથ 14 વર્ષ જૂના શાસનવિરોધી પરિબળોનો પણ સામનો કરવો પડયો. એક વાત એવી પણ છે કે, હિન્દુત્વ પ્રતિ સુનકના સ્પષ્ટ ઝૂકાવને લીધે પણ તેમને થોડું નુકસાન થયું હોઇ શકે. સરવાળે કન્ઝર્વેટિવ પક્ષને 200 વર્ષની કારમી શિકસ્ત ખાવી પડી. લેબર પાર્ટીનું ક્લેવર બદલવાનું બીડું ઝડપનાર કિર સ્ટોર્મરને પ્રચંડ જનાદેશનો અર્થ સ્પષ્ટ છે કે, બ્રિટીશ જનતા કન્ઝર્વેટિવ પાર્ટીના શાસનથી નારાજ થઇ ચૂકી હતી અને હવે બદલાવ ઇચ્છે છે. સુશાસન, પરિણામલક્ષી કામગીરીની નવી સરકાર પાસે અપેક્ષા છે. સ્ટાર્મર લેબર પાર્ટીના મધ્યમમાર્ગી નેતા છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમણે પોતાના નેતૃત્વના મૂળ સિદ્ધાંતોના રૂપમાં સ્થિરતા, વ્યવહારિકતા અને ગઠબંધનોના પુનર્નિર્માણ પર ભાર મૂક્યો હતો. વિદેશ સંબંધો પ્રત્યેના તેમના વ્યવહારુ દૃષ્ટિકોણને જોતાં તેઓ ભારત સાથે વધુ સ્થિર અને રચનાત્મક સંબંધો પર ભાર મૂકે એવી શક્યતા છે. ભારત અને બ્રિટનના સંબંધોનો મુદ્દો નવી સરકાર માટે ચાવીરૂપ છે. બંને દેશ વ્યાપક રીતે મુક્ત વેપાર સમજૂતી પર વાતચીત કરવાની તરફેણમાં છે. એકંદરે બંને દેશ વૈશ્વિક સુરક્ષા, આતંકવાદ અને ક્ષેત્રિય સ્થિરતા પર સમાન ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. બ્રિટન અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વિસ્તારવા પ્રયત્નશીલ છે. બંને દેશ વચ્ચે કાશ્મીર મુદ્દો અગત્યતા ધરાવે છે. સંતોષની વાત એ છે કે, સ્ટાર્મર લેબર પાર્ટીના તેમના પુરોગામીથી વિરુદ્ધ ભારતના વલણને ટેકો આપે છે. સંભવ છે કે, તેઓ ઉપખંડમાં ભારતનું મહત્ત્વ સુપેરે સમજે છે. 61 વર્ષીય સ્ટાર્મર માટે બ્રિટનની રાજગાદી સંભાળવી એ કાંટાળો તાજ જેવું છે. બ્રિટનની આર્થિક હાલત ઠીક નથી. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યા છે. એન.એચ.એસ. હોસ્પિટલોમાં 44 દિવસનું વેઇટિંગ છે, કરવેરાનો મુદ્દો છે. બ્રેક્ઝિટ પછીના સંજોગોમાં હજુ દેશ સ્થિરતા મેળવવા પ્રયત્નશીલ છે. આ સિનારિયોમાં સ્ટાર્મર સરકારના દેખાવ પર બ્રિટન અને દુનિયાની નજર રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang