• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

ન્યાયતંત્રની પ્રતિષ્ઠાનો પ્રશ્ન

સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના 21 સેવાનિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને પત્ર લખી કેટલાંક પરિબળો દ્વારા ન્યાયતંત્રને નબળા પાડવાના થતા પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્ર લખનારા ન્યાયાધીશોમાં 17 હાઈકોર્ટના પૂર્વ જજ અને ચાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજનો સમાવેશ થાય છે. કેટલાક જૂથો તરફથી સમજી-વિચારીને દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન મારફત ન્યાયતંત્રને નબળું પાડવાના વ્યવસ્થિત પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકીય હિતો અને વ્યક્તિગત લાભ માટે ન્યાયતંત્રને નબળું પાડવાના અને ન્યાયતંત્ર પર જનતાના વિશ્વાસને ઘટાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે, જ્યારે ભ્રષ્ટાચારના કેસોમાં વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીના કારણે શાસક ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. પત્ર લખનારા જજોએ કોર્ટ અને ન્યાયાધીશોની ઈમાનદારી પર કેટલાંક પરિબળો દ્વારા સવાલ ઉઠાવાતા હોવાનો આક્ષેપ કર્યો છે. ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયાસોની સાથોસાથ ખોટી રીતરસમ અપનાવવાનો પણ આક્ષેપ કર્યો છે. પત્રમાં ન્યાયતંત્રને આવાં દબાણો સામે મજબૂત કરવાની અપીલ સાથે જણાવાયું છે કે, પ્રકારના પ્રયાસો ન્યાયતંત્રની પવિત્રતાનું અપમાન કરે છે. ન્યાયતંત્રની પ્રતિષ્ઠાની ચિંતા સ્વાભાવિક અને સ્વાગત યોગ્ય છે. હાલના દિવસોમાં ન્યાયતંત્રને પત્ર લખીને જનજાગૃતિ પણ સચેત કરવાનો ત્રીજો પ્રયાસ છે. અગાઉ આવા બે પત્ર વકીલો દ્વારા આવી ચૂક્યા છે અને ત્રીજો પત્ર નિવૃત્ત જજોએ લખ્યો હોવાથી મહત્ત્વ વધી જાય છે. વાસ્તવમાં વકીલો તો અલગ અલગ વિચારધારામાં વિભાજિત છે. વકીલોના એક સમૂહને લાગે છે કે, સુપ્રીમ કોર્ટ પર અનાવશ્યક નૈતિક દબાણ લાવીને ચુકાદા અપાય છે, જે રોકવા જોઈએ. અન્ય ગ્રુપને એમ લાગે છે કે, ન્યાયતંત્રએ કોઈ પણ પ્રકારનાં દબાણમાં નહીં આવવું જોઈએ. લોકતંત્રમાં અલગ અલગ પરિબળોએ કામ કરે છે અને તેઓ પોતાને અનુરૂપ ચુકાદા ઈચ્છે છે. હંમેશાં કહેવામાં આવે છે કે, ન્યાય કરવા કરતાં વધુ જરૂરી છે કે, લોકોને ન્યાયની અનુભૂતિ થાય. આદર્શ ન્યાય છે કે, દોષીને પણ પોતાના ગુનાનો અહેસાસ થાય અને તે સજા મંજૂર રાખે. હાલના દિવસોમાં જોવામાં આવ્યું છે કે, વિપક્ષે સીધા ન્યાયમૂર્તિઓની નિષ્પક્ષતા પર સવાલ કર્યા છે. આમ તો વિપક્ષ લોકતંત્ર અને ન્યાયની દુહાઈ આપતો રહે છે. પણ તથ્ય છે કે, અદાલતો પણ સમાજનો હિસ્સો છે અને તેનાથી સમાજ અને સમાજથી અદાલતો પ્રભાવિત થાય છે. આપણી કોર્ટો ચુકાદો ફક્ત બંધારણની કસોટી પછી આપે છે અને સમાજમાં ન્યાયના સંદેશનો વિસ્તાર કરે છે. આપણે ત્યાં કેટલાક કેસો એવા હોય છે જે વિપક્ષો પોતાની સત્તાપક્ષ વિરુદ્ધની લડાઈમાં એવા ચગાવે છે, જેને લઈ એવો માહોલ ઊભો થાય કે કોઈ પણ પૂર્વગ્રહથી પીડાવા લાગે. આવા કેટલાક કેસો કોર્ટમાં ગયા પછી પણ વિપક્ષોએ આડકતરી રીતે તેના પર પોતાનો દુરાગ્રહ સેવ્યો હોય એવું પણ જણાય છે. એટલે કે, ન્યાયતંત્રના ચુકાદાને નબળા પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે એમ માનવું જોઈએ. આવા પ્રયાસોને મારી હટાવવા જોઈએ. રાજકીય વિચારસરણીથી ન્યાયતંત્રની ટીકા કરવાની વૃત્તિ વિપક્ષોમાં વ્યાપક બની છે, ત્યારે નિવૃત્ત જજો દ્વારા લખાયેલ પત્ર ન્યાયતંત્રના બચાવમાં છે, વિપક્ષના રાજકીય દબાણ સામે લાલબત્તી પણ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang