• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ટીમમાં પસંદગી ન થતાં નારાજ શમી રણજી મેચમાંથી ખસી ગયો

નવી દિલ્હી, તા. 18 : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ-સીના બીજા મુકાબલામાં બંગાળની ટીમે સર્વિસીસ સામે પોતાના સૌથી અનુભવી અને સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમી વગર મેદાનમાં ઊતરવું પડ્યું છે. દિલ્હીના પાલમ 'એ' સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં શમીની ગેરહાજરી કોઈ ઈજા કે ફિટનેસની સમસ્યાને કારણે નથી, પરંતુ આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદગી ન થતાં સર્જાયેલી નારાજગીનું પરિણામ છે. ભારતીય પસંદગીકારો દ્વારા અવગણના કરવામાં આવ્યા બાદ શમીએ સ્વેચ્છાએ આ મહત્વપૂર્ણ મેચમાંથી ખસી જવાનો આકરો નિર્ણય લીધો છે. ઘરેલુ ક્રિકેટમાં તાજેતરમાં કરેલા શાનદાર પ્રદર્શન બાદ શમીને પૂરી અપેક્ષા હતી કે પસંદગીકારો તેના પર ફરી વિશ્વાસ મૂકશે. કલ્યાણી ખાતે રમાયેલી બંગાળની પ્રથમ રણજી મેચના પ્રથમ દાવમાં જ તેણે ચાર વિકેટો ઝડપી હતી. આ સ્પેલ બાદ શમી ન્યૂઝીલેન્ડ સામેની ઓલ-ફોર્મેટ શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં વાપસીની આશા રાખી રહ્યો હતો. જોકે ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતાં ભારે હતાશ થઈ તેણે સર્વિસીસ સામે ન રમવાનું વલણ અપનાવ્યું હતું. શમીની અચાનક ગેરહાજરીને પગલે બંગાળની પ્લેઇંગ-11માં મોટો ફેરફાર કરવો પડ્યો હતો અને તેના નાના ભાઈ મોહમ્મદ કૈફને અંતિમ અગિયારમાં તક આપવામાં આવી છે. કૈફ પાસે હવે પેસ આક્રમણની આગેવાની સંભાળીને પોતાની પ્રતિભા પુરવાર કરવાની સુવર્ણ તક છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd