ગાંધીધામ, તા. 19 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસીએશન
દ્વારા કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસીએશનના ઉપક્રમે આયોજિત રાજ્યકક્ષાની ટૂર્નામેન્ટમાં
મેન્સમાં અમદાવાદ અને સુરતે વિમેન્સના ટાઈટલ જીત્યા હતા. આદિપુરના હરીશ સંગતાણી સ્પોર્ટસ
કોમ્પલેક્ષ ખાતે રમાતી ટૂર્નામેન્ટમાં મેન્સ ઇવેન્ટની ફાઇનલમાં ધૈર્ય પરમારે ધ્યેય
જાની સામે 3-0થી વિજય મેળવીને અમદાવાદને
સરસાઈ અપાવી હતી. અરવલ્લીના સ્ટાર ખેલાડી જન્મેજય પટેલે અભિલાષ રાવલને 3-2થી રોમાંચક મુકાબલામાં હરાવીને
સ્કોર સરભર કર્યો હતો. સોહમ ભટ્ટાચાર્યે હર્ષવર્ધન પટેલ સામે 3-0થી વિજય મેળવીને અમદાવાદને
ફરીથી આગળ કર્યું હતું, ત્યારબાદ ધૈર્યએ જન્મેજયને 3-1થી હરાવીને ટાઈટલ અમદાવાદનાં
નામે કર્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને મોખરાના ક્રમની સુરતની વિમેન્સ ટીમે બીજા
ક્રમાંકિત ભાવનગર સામે 3-1ના શાનદાર
વિજય સાથે ટાઇટલ જીતી લીધું હતું. રિયા જયસ્વાલે આફ્રિન મુરાદને 3-0થી હરાવીને ભાવનગરને સરસાઈ
અપાવી હતી, પરંતુ ફિલઝાફાતીમા કાદરીએ
નામના જયસ્વાલ સામે 3-2થી વિજય મેળવીને
મુકાબલો બરાબરી પર લાવ્યો હતો. ત્યારબાદ વિશ્રુતિ જાદવે ચાર્મી ત્રિવેદીને 3-2થી હરાવીને ફરીથી સુરતને આગળ
કર્યું હતું અને અંતે કાદરીએ રિયા સામે 3-0થી વિજય મેળવીને ચેમ્પિયનશિપ પર કબજો જમાવ્યો હતો. જુનિયર બોયઝની
ફાઇનલમાં સુરતે વડોદરાને 3-1થી હરાવ્યું
હતું. વિવાન દવેએ ક્રિશય શાહને 3-0થી હરાવ્યો
હતો, જ્યારે વેદ પંચાલે પવન કુમાર સામે 3-2થી વિજય મેળવીને વડોદરાને બરાબરી
પર લાવ્યા હતા. સુરતની ડબલ્સ જોડી વિવાન અને પવને ડબલ્સમાં પંચાલ અને શાહને 3-0થી હરાવીને ફરીથી સરસાઈ મેળવી
હતી અને ત્યારબાદ વિવાન દવેએ પંચાલને 3-0થી હરાવીને ટાઇટલ જીતી લીધું
હતું. અમદાવાદે સબ જુનિયર બોયઝની ફાઇનલમાં સુરતને 3-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું, જ્યારે સબ જુનિયર ગર્લ્સનું ટાઈટલ સુરતના ફાળે
ગયું હતું જેણે અમદાવાદને 3-0થી એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. રેહાંશ અને પ્રિશા અંડર-11 ચેમ્પિયન બન્યા હતા. સાયાંશ
અને અનાયરાએ અંડર-9માં વિજય
મેળવ્યો હતો, તો કચ્છના રેહાંશ સિંઘવી અને સુરતની પ્રિશા પારેખે
અનુક્રમે બોયઝ અને ગર્લ્સ હોપ્સ (અંડર-11)ના ટાઇટલ જીત્યા હતા. બોયઝની ફાઇનલમાં મોખરાના ક્રમાંકિત રેહાંશે
સુરતના બીજા ક્રમાંકિત પ્રણવ કેલ્લાને 3-1થી હરાવ્યો હતો, જ્યારે ગર્લ્સની ફાઇનલમાં ટોચની પ્રિશાએ વડોદરાની બીજી ક્રમાંકિત સાનવી ચૌધરીને
3-0થી હરાવીને તાજ જીતી લીધો હતો.
હોપ્સ (અંડર-9) કેટેગરીમાં અમદાવાદના ટોચના
ખેલાડી સાયાંશ ક્રિસ્ટીએ સુરતના ત્રીજા ક્રમાંકિત દૈવિક પટેલને 3-0થી હરાવીને બોયઝનું ટાઇટલ જીત્યું
હતું. ગર્લ્સની ફાઇનલમાં, અમદાવાદની
બીજી ક્રમાંકિત અનાયરા મણિયારે ટોપ સીડેડ અને પોતાના જ શહેરની સુહાની હાંડાને 3-1થી હરાવીને અંડર-9 ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બોયઝ અંડર-7ની ફાઇનલમાં, કચ્છના ભ્રાજ હિંગોરાણીએ મહાંક વાઘેલાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટૂર્નામેન્ટમાં
ફ્રેન્ડ્સ ગ્રુપ અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા સ્ટેટ બેંક
ઓફ ઇન્ડિયા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ સાંપડયો છે.