ભુજ, તા. 19 : ટુ-વ્હીલરથી માતાના મઢ દર્શને જતા બે માર્ગ અકસ્માતમાં એક વડીલ
અને બીજામાં યુવાન અને તેની મંગેતરનાં મોત નીપજ્યાના કરુણ બનાવ સામે આવ્યા છે. ગઈ કાલે
સવારે માતાના મઢ જતાં વિગોડી ફાટક પાસે એસ.ટી. બસે બાઈકચાલક મિરજાપરના વડીલ ગોવિંદ
વેકરિયા (પટેલ)ને ટક્કર મારતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે ગત તા. 13/10ના નખત્રાણા માર્ગના હાજીપીર
ફાટક પાસે ગાંધીધામથી માતાના મઢ દર્શને બાઈકથી જતા યુવાન સમીરસિંહ પ્રવીણસિંહ ખાંટ
અને તેની મંગેતર પ્રાંચી મુકેશ આદિવાલને ક્રેને અડફેટે લેતાં બન્ને ગંભીર રીતે ઘાયલ
થયા હતા અને બન્નેએ સારવાર દરમ્યાન વારફરતી અનંતની વાટ પકડી હતી. મિરજાપર રહેતા મુકેશભાઈએ
આજે નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે તા. 18/10ના સવારે તેમના પિતાજી ગોવિંદભાઈ
બાઈક નં. જી.જે.- 12-સીસી-2716વાળી લઈને માતાના મઢ દર્શન
કરવા માટે નીકળ્યા હતા. સવારે 7:30 વાગ્યાના
અરસામાં વિગોડી ફાટક પાસે નારાયણ સરોવરથી ભુજ લોકલ રૂટમાં ચાલતી કેસરી કલરની એસ.ટી.
બસ નં. જી.જે.- 18-ઝેડટી-4931વાળીના ચાલકે બસ પૂરઝડપે અને
બેદરકારીથી ચલાવી ફરિયાદીના પિતાજીની બાઈક સાથે સામેથી ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે
જ મોત નીપજ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આજે નખત્રાણા
પોલીસ મથકે ગાંધીધામના શ્રમજીવી પ્રવીણસિંહ
માધુસિંહ ખાંટે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર સમીરસિંહની સગાઈ બે મહિના
પહેલાં પ્રાંચી મુકેશભાઈ આદિવાલ (ગાંધીધામ) સાથે કરી હતી. ગત તા. 13/10ના પુત્ર સમીરસિંહ અને પ્રાંચી
મોટરસાઈકલ નં. જી.જે.-31-એ.સી.-4340વાળી લઈને માતાના મઢ દર્શન
કરવા માટે નીકળ્યા હતા. સવારે આઠેક વાગ્યે તેમની બાઈક દેશલપરના હાજીપીર ફાટક પાસે પહોંચી
ત્યારે ક્રેન નં. જી. જે. -12-સી.એમ.-5259વાળાના ચાલકે તેનું ક્રેન પૂર
ઝડપે અને બેદરકારીથી ચલાવી સમીરસિંહની બાઈક સાથે અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની જાણ થતાં જ ફરિયાદી અને તેના પત્ની ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ પહોંચતા
પ્રાંચી વેન્ટિલેટર પર હતી અને નખત્રાણા સરકારી હોસ્પિટલ જતાં ત્યાં ફરજ પરના તબીબે
સમીરસિંહને મૃત જાહેર કર્યા હતા. સમીરસિંહની લાશની અંતિમવિધિ માટે વતન નીકળ્યા હતા
અને રસ્તામાં હતા ત્યાં જ પ્રાંચી પણ સારવાર દરમ્યાન મૃત્યુ પામીના દુ:ખદ સમાચાર મળ્યા
હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે અજાણ્યા ક્રેનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.