ભુજ, તા. 19 : ગઈકાલે મોટી અને નાની ખાખર
વચ્ચે છોટા હાથી અને બોલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ભાઈના હાથ જ ભાઈનાં મોતના ચકચારી
બનાવમાં પતિ પાછળ પત્ની જેનાબાઈ બાબુ પટ્ટણી (ઉ.વ. 40)નું પણ સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવાર અને સમાજમાં અરેરાટી
વ્યાપી છે. ગઈકાલે બપોરે બોલેરોચાલક મુકેશ હીરજી પટ્ટણીએ સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં
સામેથી આવતા છોટા હાથીમાં ધડાકાભેર અથડાવી દઈ અકસ્માત સર્જી નાસી ગયો હતો. દરમ્યાન
છોટા હાથીમાં મુકેશના સગા ભાઈનો જ પરિવાર સવાર હતો. છોટા હાથીચાલક બાબુ હીરજી પટ્ટણી
(રહે. દહીંસરા)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ આ છોટા હાથીમાં
સવાર બાબુના પત્ની જેનાબાઈ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. માથા તથા છાતીના ભાગે ગંભીર
ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માંડવીની સિવિલ હોસ્પિટલમાં અપાયા બાદ ઘાયલોને ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમ્યાન જેનાબાઈનું પણ ગઈકાલે રાત્રે મોત
નીપજ્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ છે. આ કરુણ બનાવના પગલે પરિવાર
અને સમાજમાં અરેરાટી વ્યાપી છે. આ ચકચારી બનાવ અંગે સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ
બોલેરોચાલક મુકેશ અને છોટા હાથીચાલક બાબુ બંને ભાઈ વચ્ચે ચાલી રહેલા ઝઘડાનું સમાધાન
15-20 દિવસ પૂર્વે જ સમાજના આગેવાનોની
હાજરીમાં થયું હતું. આમ આપસી અંટસના પગલે જ મુકેશે તેની બોલેરો ભાઈના છોટા હાથી સાથે
અથડાવી દીધાના આક્ષેપો પણ પરિજનોએ કર્યા છે. આમ આ બનાવ અકસ્માત કે હત્યા ?ના રહસ્ય વચ્ચે સામે આવ્યો છે. જો કે,
હજુ સુધી સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.