ગાંધીધામ, તા. 19 : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
ગાંધીનગર આયોજિત 70મી અખિલ ભારતીય
શાળાકીય (એસ.જી.એફ.આઇ.) થાંગતા માર્શલ આર્ટ અન્ડર-14માં 56 કિલો વજન
કેટેગરીમાં અહીંની સુંદરપુરી કન્યાશાળાની સાનિયા કાસમભાઇ જામએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો
હતો તેમજ અન્ય બે દીકરીઓએ રજત ચંદ્ર જીત્યો હતો તથા મીઠીરોહરની સરકારી ઉચ્ચતર માધ્યમિક
શાળાના સાહિલ કાતિયારે અન્ડર-17માં રજત પદક
હાંસલ કર્યું હતું. ગાંધીનગર ખાતે એસ.જી.એફ.આઇ. થાંગતા માર્શલ આર્ટ અન્ડર-14-17-19 સ્પર્ધા તા. 12 અને 14ના બહેનો તથા ભાઇઓ માટે યોજાઇ હતી, જેમાં અહીંની નવી સુંદરપુરી કન્યા પ્રાથમિક
શાળાની વિદ્યાર્થિનીઓ સાનિયા કાસમભાઇ જામ (56 કિલો), સાક્ષી
નારાણભાઇ સંઘાર (44), ઝલક સિદ્ધરાજભાઇ
સોલંકી (40) તથા તમન્ના અલ્તાફભાઇ રાયમા
(52) અને અન્ડર-17માં કવિતા રમેશભાઇ માજીરાણા (75) કિલો વજન કેટેગરીમાં રાજ્ય
કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સાનિયા જામએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ દીકરી
હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે
સાક્ષી સંઘાર અને રાયમા તમન્નાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
બીજીબાજુ મીઠીરોહરની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના
પ્રતિભાશાળી વિદ્યાર્થી સાહિલ કાતિયારે અન્ડર-17ના વયજૂથમાં 65 કિ.ગ્રા. શ્રેણીમાં થાંગતા માર્શલ આર્ટમાં ભાગ લઇ શાનદાર પ્રદર્શન
કર્યું હતું. આ વિદ્યાર્થીએ રજત પદક મેળવ્યું હતું. કોચ ભરતભાઇ બચવાણી, અન્ડર-14ના મેનેજર દર્શનાબેન લીમ્બાચિયા, 17ના સંગીતાબેન
માલણ, મનીષાબેન ચૌધરીના ઉત્તમ, સચોટ માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી,
જિલ્લા રમત-ગમત અધિકારી, જિલ્લા વ્યાયામ શિક્ષક,
ટી.પી.ઇ.ઓ. હિમાંશુ સીજુ, લાલજી ઠક્કર,
પૂજાબેન, સપનાબેન તથા મીઠીરોહરના અગ્રણીઓ શકુરભાઇ
માંજોઠી, હાજી ગનીભાઇ માંજોઠી, અબ્દુલભાઇ
સોઢા વગેરે અગ્રણીઓએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે શુભેચ્છા
પાઠવી હતી. વિજેતા વિદ્યાર્થીઓએ ખેલાડીઓ માટેની વ્યવસ્થા અદ્ભુત અને પ્રશંસનીય હોવાની
લાગણી વ્યક્ત કરી હતી.