• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

પહેલા જ દિવસે જીત્યા 11 મેડલ

નવી દિલ્હી, તા. 19 : એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય દળે જોરદાર પ્રારંભ કરી પ્રથમ દિવસે જ 4 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથા સ્થાને આગેકૂચ કરી છે. ભારતીય પેરા એથ્લેટ્સે શાટિંગ, એથ્લેટિક્સ, જુડો અને સ્વામિંગમાં શાનદાર ફોર્મ બતાવ્યું હતું, જ્યારે આર્ચરીમાં શીતલ દેવીએ બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. દિવસની શરૂઆત શાટિંગ રેન્જમાં સુવર્ણ સફળતાથી થઈ હતી. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં પેરિસ પેરાલિમ્પિક્સની બ્રોન્ઝ મેડાલિસ્ટ મોના અગ્રવાલે 250.0 ના સ્કોર સાથે ગેમ્સ રેકોર્ડ સર્જી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. તેમણે ડિફેન્ડિગ ચેમ્પિયન અને બે વખતના પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અવની લેખરાને માત્ર 0.4 પોઇન્ટથી પછાડી હતી; અવનીએ 249.6 ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ વિજય સાથે ભારતે 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ માટે વધુ એક ક્વોટા પણ સુરક્ષિત કર્યો છે. બીજી તરફ, બંને હાથ વગર તીરંદાજી કરતી સનસનાટી શીતલ દેવીએ કમ્પાઉન્ડ ક્વોલિફિકેશનમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી અને ત્યારબાદ રાકેશ કુમાર સાથે મિક્સ્ડ ટીમમાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો.

સાંજના સત્રમાં ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. પેરાલિમ્પિક્સ સિલ્વર મેડાલિસ્ટ નિષાદ કુમારે પોતાની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં 7.11 મીટરની છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની 1500 મીટર રેસમાં દૃષ્ટિહીન દોડવીર સૌમ્યાએ 5:12.39 સેકન્ડના પોતાના સર્વશ્રેષ્ઠ ટાઈમિંગ સાથે ગોલ્ડ જીત્યો હતો, જ્યારે વેંકટેશ રાધાએ સિલ્વર મેળવ્યો હતો. ટી11 કેટેગરીમાં રવન્ની વલસાનેનીએ બ્રોન્ઝ જીત્યો હતો. મેન્સ એફ46 જેવલિન થ્રોમાં ભારતે વન-ટુ ફિનિશ કરી સપાટો બોલાવ્યો હતો; રિંકુએ 65.11 મીટરના થ્રો સાથે ગોલ્ડ અને અજીત સિંહે 65.02 મીટર સાથે સિલ્વર મેડલ કબ્જે કર્યો હતો.

અન્ય રમતોમાં પણ ભારતીય ખેલાડીઓ છવાયેલા રહ્યા હતા. પેરા જુડોમાં કોકિલાએ જે2 (-52 કિગ્રા) કેટેગરીમાં સિલ્વર અને કપિલ પરમારે જે1 (-70 કિગ્રા) વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સ્વામિંગમાં રવિ કાર્તિક બુડિગિનાએ મેન્સ 100 મીટર ફ્રીસ્ટાઇલ એસ13 ઇવેન્ટમાં 56.68 સેકન્ડ સાથે સિલ્વર જીત્યો હતો. ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલ, પ્રાચી પાંડે અને સોનલબેન પટેલે પોતપોતાની સિંગલ્સ કેટેગરીની સેમિફાઇનલમાં પ્રવેશ કરીને દેશ માટે વધુ ત્રણ મેડલ પાકા કરી લીધા છે. પ્રથમ દિવસના આ શાનદાર દેખાવથી ભારતની મેડલ ટેલી 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે 11 પર પહોંચી ગઈ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd