તિરુવનંતપુરમ્, તા. 27 : તિરુવનંતપુરમ્ના
ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે પરાજય આપ્યો છે. પ્રથમ બાટિંગ કરતાં
કેરેબિયન ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 295 રનનો સ્કોર નોંધાવ્યો હતો,
જેના જવાબમાં ભારતીય ટીમે શાનદાર બાટિંગનું પ્રદર્શન કરતાં માત્ર 41.4 ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને
(300/2) લક્ષ્યાંક આસાનીથી પાર કરી
લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 1-0 ની મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવી
લીધી છે. ભારતના આ શાનદાર વિજયના મુખ્ય શિલ્પી `રનમશીન' વિરાટ
કોહલી અને કેપ્ટન શુભમન ગિલ રહ્યા હતા. વિરાટ કોહલીએ ફરી એકવાર `ચેઝમાસ્ટર' તરીકેની પોતાની વિખ્યાત ભૂમિકા સાર્થક કરતાં
અણનમ 139 રનની મેચ-વાનિંગ ઇનિંગ્સ રમી
હતી. આ શાનદાર ઇનિંગ્સ સાથે કોહલીએ તેની વન-ડે કારકિર્દીની 55મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 86મી સદી ફટકારીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ
પોતાનાં નામે કરી છે. રોહિત શર્માએ ઓપાનિંગમાં 32 રન કર્યા હતા. કપ્તાન શુભમન ગિલે વન-ડે કારકિર્દીની 10મી સદી ફટકારી હતી. તેણે 108 દડામાં 13 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 110 રન બનાવ્યા હતા. આ પહેલાં ટોસ
હારીને પ્રથમ બાટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટે 295 રનનો સ્કોર
નોંધાવ્યો હતો. જસ્ટિન ગ્રીવ્સની કારકિર્દીની સૌપ્રથમ વન-ડે સદી (101 રન) અને જોન કેમ્પબેલ (62 રન) સાથેની 135 રનની મજબૂત ઓપાનિંગ ભાગીદારી
નોંધાવી હતી. જો કે, `ચાઇનામેન' કુલદીપ યાદવની ચાર વિકેટની કાતિલ સ્પેલ સામે
કેરેબિયન મિડલ ઓર્ડર તૂટયો હતો. અંતિમ ઓવરોમાં
આમિર જંગુની 58 રનની અણનમ
આક્રમક ઇનિંગ્સે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ભારત તરફથી કુલદીપ ઉપરાંત
પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને નીતીશકુમાર રેડ્ડીએ 1 વિકેટ ઝડપી હતી.