ભુજ, તા. 27 : મુંદરામાં મહિલાનો ફોન હેક
કરી તેના બેન્ક ખાતાંમાંથી રૂા. 1,19,996 ઓનલાઈન
સેરવી લેવાતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે. મુંદરાની કલાપૂર્ણ સોસાયટીમાં રહેતા
અને કસ્ટમ ક્લીયરન્સનું કામકાજ કરતા જમીલા ઈન્ફાક માંજોઠીએ આજે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી
ફરિયાદ મુજબ ગત તા. 21/9ના તેમના
જીઓના નંબર પર અચાનક અનેક ઓટીપી આવતાં જીઓ કંપનીએ પોતાની રીતે સીમ બંધ કરી દીધું હતું.
આ બાદ ફરિયાદીના પતિએ જીઓના કસ્ટમર કેરમાં ફોન કરીને ફરીથી સીમ ચાલુ કરાવ્યું હતું.
આ બાદ ગત તા. 24/9ના ફરિયાદીના મોબાઈલમાં તેમના
ખાતામાંથી રૂા. 24,999 કપાયાનો
ટેકસ્ટ મેસેજ આવતાં જેથી તેમણે તેમના પતિને જાણ કરતાં અદાણી પોર્ટ પર કામ કરતા પતિ
ઈન્ફાક પી.યુ.બી. બિલ્ડિંગમાં યશ બેન્કમાં જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે, ફરિયાદીના બેન્ક ખાતામાંથી કુલ રૂા. 1,19,996 ઊપડી ગયા છે. આથી તેઓએ યુ.પી.આઈ.
અને બેન્ક ટ્રાન્ઝેક્શન બંધ કરાવી 1930 સાયબર હેલ્પલાઈન નંબર ઉપર ફ્રોડની અરજી કરી હતી. આમ અજાણ્યા
ઈસમે ફરિયાદીનો મોબાઈલ હેક કરી કે અન્ય રીતે તેના બેન્ક ખાતામાંથી નાણા ઉપાડી છેતરપિંડી
કર્યાની ફરિયાદ નોંધાવી છે.