• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

વિપક્ષને જવાબ આપતા ચૂંટણીપંચની એકમતી

ચૂંટણીપંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમારની કાર્યવાહી સામે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યા પછી દેશભરમાં ચૂંટણીપંચના વિરોધમાં દેખાવો શરૂ થયા અને જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માગણી થઈ રહી છે, ત્યારે જ્ઞાનેશકુમાર મૌન તોડશે ? કે પછી સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ આવે અને સરકાર જવાબ આપે ત્યાં સુધી રાહ જોશે? એ સવાલ ઘૂમરાતા હતા. એ દરમ્યાન સીઇસી જ્ઞાનેશકુમાર તથા બે ચૂંટણી કમિશનરે સાથે બેઠક કરીને કેટલાક રાહતરૂપ નિર્ણય લીધા હતા, જેમાં `સર'ને લગતી ફરિયાદો પર મુખ્યત્વે ધ્યાન દેવાનો પ્રયાસ છે. સંપૂર્ણ ચૂંટણીપંચે એક રીતે વિરોધ પક્ષોને વળતો જવાબ આપી દીધો છે કે, તેમની વચ્ચે કોઇ મતભેદ નથી. જ્ઞાનેશકુમારને નિશાન બનાવી રહેલા કોંગ્રેસ અને બીજા વિપક્ષી નેતાની મુરાદ ધૂળ ચાટતી થઇ હોય તેવું સમજાય છે. બિહારની ચૂંટણી વખતે મતદારયાદીની ચકાસણી શરૂ થઈ ત્યારે રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવીને `મોટો બોમ્બ ધડાકો' કરવાની જાહેરાત કરી હતી, પણ તેની અસર થઈ નહીં અને સુપ્રીમ કોર્ટે પણ મતદારયાદીઓની ચકાસણીને વાજબી ઠરાવી હતી. રાહુલ ગાંધીના આક્ષેપ અને `બોમ્બ'નો જવાબ આપવા માટે ખુદ જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદ ભરી હતી અને બન્ને કમિશનરોને સાથે બેસાડયા હતા! પણ શક્ય છે કે આ વખતે જ્ઞાનેશકુમાર `મોકા'ની રાહ જોતા હોય. મુખ્ય કમિશનરે સંયમ જાળવ્યો છે, ત્યારે પંચના અન્ય અધિકારીઓએ નિવેદન બહાર પાડયું છે કે, પંચના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે અને કોઈ કમિશનરે અસંમતિ નોંધાવી નથી. વિશેષ કરીને નવા મતદારોની નોંધણીમાં પરિવારના ઇતિહાસની કોલમ છે તેનો પણ વિરોધ થયો નથી. અત્યારે મુખ્ય આક્ષેપ એવો છે કે, જ્ઞાનેશકુમાર `મનમાની' મનસ્વી રીતે કાર્યવાહી કરે છે અને મતદારયાદીઓના સુધારા-કાપકૂપમાં બન્ને સાથી કમિશનરોને વિશ્વાસમાં લીધા નથી. રાહુલ ગાંધીને જ્ઞાનેશકુમારની મનસ્વી રીતભાત કરતાં યાદીમાં વોટબેન્કનાં નામ કપાયાં તેની ચિંતા વધુ હોય તે સમજી શકાય છે. પંચના જવાબદાર અધિકારીઓએ આ નિવેદન જ્ઞાનેશકુમારની મંજૂરી પછી બહાર પાડયું હોવું જોઈએ. બન્ને સાથી કમિશનરોએ લેખિત સુધારા સૂચવ્યા હોય, વિરોધ કર્યો હોય, પણ આખરી નિર્ણયમાં મૌન રહીને સંમતિ આપી હોય એવું બની શકે. આ `ટ્રમ્પ કાર્ડ' જ્ઞાનેશકુમાર પાસે હોઈ શકે અને અત્યારે `ખુલ્લુ' કરે તો વિવાદમાં નવા ફણગા ફૂટે! સંયુક્ત મિટિંગ કરીને નિર્ણયો લીધા છતાં ગમે તેમ પણ હવે ત્રણે કમિશનરો એકસાથે જાહેરમાં ઊભા રહે એવું લાગતું નથી. અત્યાર સુધીની તમામ પત્રકાર પરિષદોમાં-જાહેરમાં સર્વસંમતિનું પ્રદર્શન થયું છે, તેથી રાહુલ ગાંધી અથવા તો બન્ને કમિશનરો હવે ઈન્કાર કરી નહીં શકે. આ સંજોગોમાં જ્ઞાનેશકુમારને મૌન રહેવાની સલાહ મળી હશે. દરમિયાન- આ વિષયમાં રાજકારણ ગરમ બન્યું છે. એનડીએના સભ્ય પક્ષો કહે છે કે, પંચની નિષ્પક્ષતા બતાવવી જોઈએ. ચિરાગ પાસવાને કહ્યું કે, રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ-રદિયો આપવા નહીં પણ જનતાનાં મનમાં ચૂંટણી પ્રણાલી-વ્યવસ્થા વિશે શંકા નહીં હોવી જોઈએ, નિર્મૂળ થવી જોઈએ. આ માટે જ્ઞાનેશકુમારે ખુલાસો કરવો જોઈએ. ચિરાગ પાસવાન સાથે અન્ય કેટલાક ભાગીદાર પક્ષોએ પણ સૂર પુરાવ્યો છે. બીજી બાજુ - રાહુલ ગાંધી વિપક્ષી છાવણીના નેતા-બેતાજ બાદશાહ - થતા જોઈને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષમાં ચણભણાટ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ અદાણી-અંબાણી અંગેના કોર્પોરેટ વોરમાં માથું નહીં મારવું જોઈએ - એવા પ્રત્યાઘાત આવી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd