નવી દિલ્હી, તા. 27 : એશિયન ગેમ્સમાં
રવિવારે ભારતના રમતવીરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખતા 4 સિલ્વર સહિત કુલ 7 મેડલ પોતાનાં નામે કર્યાં છે. આ સાથે જ
વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો કુલ મેડલ આંક 37 પર પહોંચી ગયો છે. જેમાં 4 ગોલ્ડ, 16 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય
છે. મેન્સ હાઈ જમ્પમાં ભારતના સર્વેશ કુશારેએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો છે. 2.28 મીટરની ઊંચાઈ પર તેના ત્રણેય
પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા, પરંતુ કાઉન્ટબેકના
આધારે તેને સિલ્વર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચાઈનીઝ તાઈપેઈના
ફૂ ચાઓ-શુઆને જીત્યો હતો. આ ઉપરાંત એન્સી સોજને મહિલા લોંગ જમ્પમાં 6.53 મીટરનો કૂદકો લગાવીને સિલ્વર
મેડલ અને ડેકાથલોનમાં તેજસ્વીન શંકરે 7934 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. મહિલા 200 મીટર પ્રિન્ટમાં હરિતા ભદ્રાએ
23.20 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ
મેડલ જીત્યો છે. બીજી તરફ ટ્રેક એન્ડ ફિલ્ડમાં મહિલા 3000 મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટમાં પારુલ
ચૌધરીએ 9:08.67 સેકન્ડના પોતાના સર્વશ્રેષ્ઠ
પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ટાઇમિંગ સાથે તેણે પોતાનો જ નેશનલ રેકોર્ડ
તોડયો છે. વિનફ્રેડ યાવીએ 9:04.36ના
નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ અને કઝાકિસ્તાનની નોરાહ તનુઈએ સિલ્વર જીત્યો હતો. સ્ક્વોશ
કોર્ટ પર અભય સિંહ અને અનાહત સિંહે શાનદાર રમત દાખવતાં સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યાં
છે. બોક્સિંગ રિંગમાં અંકુશ પંઘાલ અને પરવીન હુડ્ડાએ પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ મેચ
જીતીને ભારત માટે વધુ 2 મેડલ પાક્કા
કરી લીધા છે. મેન્સ 80 કિગ્રા કેટેગરીમાં
અંકુશે તાજિકિસ્તાનના નેક્રુઝ સલીમોવને અને મહિલા 65 કિગ્રા કેટેગરીમાં પરવીને ઉઝબેકિસ્તાનની નવબહોર ખામિદોવાને એકતરફી
મુકાબલામાં 5-0 થી પરાજય આપ્યો હતો.