• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

ચોખા ઉત્પાદનમાં જળ સંરક્ષણ ક્રાંતિ; કચ્છી ઉદ્યોગપતિની શોધ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુન્દ્રા, તા. 27 : વિશ્વમાં ચોખાની નિકાસમાં પ્રથમ ક્રમ સાથે ભારતનો દબદબો છે અને ઉત્તર ભારતના રાજ્યોની ઉત્પાદન, બજારનો દેશમાં ડંકો છે, જેમાં રાયપુર ( છત્તીસગઢ) માં દાયકાઓથી કચ્છીઓ આ ક્ષેત્રે અગ્રીમ છે.  ચોખા બજાર સામે જોકે ઘણા પડકારો છે. ખાસ કરીને પાણી વપરાશ, ગુણવત્તા અને વધતા ખર્ચાના પ્રશ્નો છે. પરંતુ આ પ્રશ્નોના ઉકેલમાં આ ક્ષેત્રના એક કચ્છી યુવા વ્યવસાયી અને ઇજનેરનું નવું સંશોધન દેશના ચોખા મિલરોમાં બહુ ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. ઉદ્યોગપતિઓનો માત્ર નફો નહીં પણ ભારે જળ વપરાશ છે એવી ચોખાની મિલોમાં પાણી બચતનો સંદેશ આ શોધમાં છે. જે માત્ર નફાકારકતામાં જ વધારો નથી કરતું, બલ્કે પાણીનો ઉપયોગ ઘટાડે છે, પુન: વપરાશ વધારે છે, જળ, ભૂમિ અને પર્યાવરણનું રક્ષણ કરે છે. ભારતમાં ચોખાની હજ્જારો મિલો છે અને એક મિલ 50,000 લિટર પણ જળ બચાવે તો કેટલું બધું પાણી બચી શકે છે,  એવો વિચાર આ યુવા કચ્છી ઇજનેરની શોધ પાછળ સમાયેલો છે. કોઈ મોટું મશીન કે ટેકનોલોજીથી નહીં, પરંતુ માલિંગ પ્રક્રિયામાં નવીન શોધ ઉમેરીને ક્રાંતિ લાવતા આ સંશોધન કરનારા ઉદ્યોગપતિ એ કચ્છના મુન્દ્રા તાલુકાનાં મોટા કપાયાના વતની દામજીભાઈ પત્રામલ સંગોઈના પૌત્ર ભાવિન અરવિંદભાઈ સંગોઈ સાથે કચ્છમિત્રએ ખાસ મુલાકાત કરી હતી. 2006માં બેંગ્લોરની રામૈયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ડીસ્ટીંગ્શન મિકેનિકલ ઈજનેર થનારા બાદમાં પારિવારિક વ્યવસાયમાં જોડાયેલા અને અત્યારે આ પારસ ગ્રુપ, પારસ ઓઇલ એક્સટ્રેક્શન પ્રા. લિ.ના માલિક અને `રાઈસ બુસ્ટર પ્રો'ના ઇનોવેટર (સંશોધક) અને સીઈઓ ભાવિન સંગોઈ સાથે રાયપુરથી થયેલી ખાસ વાતચીત અહીં રજૂ કરાઈ છે. -  તમારો પરિચય અને પરિવાર વ્યવસાયમાં તમારી સફર વિશે જણાવશો ? : અભ્યાસની રીતે ઇજનેર અને પરિવાર 1984થી છત્તીસગઢના અગ્રણી પારસ ગ્રુપ તેલ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલો હતો.  જ્યારે હું 20 વર્ષથી જોડાયેલો છું.  અમે 2023થી ચોખા મિલીંગ વ્યવસાયમાં પણ પ્રવેશ્યા છીએ. - ચોખા મિલીંગ ઉદ્યોગ,  તેનાં પ્રશ્નો શું છે અને આ `રાઈ બુસ્ટર પ્રો'ની શોધનો તમને વિચાર કેવી રીતે આવ્યો ?  : છેલ્લા દાયકામાં રાઇસ મિલીંગ ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજી આવી છે. આમ છતાં ચોખાનું તૂટી જવું, અનાજના રંગમાં ફેરફાર, ગુણવત્તા નબળી પડવી, તાજા પાણીનો ખૂબ જ વપરાશ,  પાર્બલીંગ કામગીરીથી પર્યાવરણીય ચિંતા, પલાળવાથી દુર્ગંધ અને પાણી નિકાલની પદ્ધતિ, વધતા ખર્ચા જેવા પડકારો વધી રહ્યા છે. આના પરથી વિચાર આવ્યો કે માત્ર રોકાણ વધારવાથી કે વધુ મશીનરીથી નહીં પ્રક્રિયા ઓપ્ટિમાઇઝ કરવાથી ફાયદો થશે. પ્રક્રિયાનું ઓપ્ટિમાઇઝેશન અને સારા પરિણામો મેળવવા એ ઇજનેર તરીકે જુસ્સો બની ગયો. ગુણવત્તા સુધારવા, પાણી અને હવામાં દુર્ગંધની સમસ્યા ઘટાડવા,  પાણીનો ફરી ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરવા આવી અમારી ટીમે પાર્બાઇલિંગ દરમિયાન અનાજને અસરકર્તા પરિબળોનો અભ્યાસ કરીને તારણો મેળવ્યા અને પ્રક્રિયામાં સુધારો લાવી ચોખાની મિલોમાં સહાયક તરીકે `રાઈસ બુસ્ટર પ્રો'ને વિકસિત કરી. - આ નવું ઉત્પાદન શું છે, કઈ ભૂમિકા ભજવે છે અને લાભો શું થશે ? :  `રાઇસ બુસ્ટર પ્રો' એ ઇકો ફ્રેન્ડલી અને એફએસએસએઆઈ દ્વારા માન્ય ખાસ પ્રક્રિયા સહાયક છે.  જે અનાજની ઉચ્ચ ગુણવત્તા અને ઉત્પાદન પ્રક્રિયામાં પ્રદૂષણ ન થાય એ માટે બનાવ્યું છે. જેનાથી એકસમાન જીલેટાઈઝેશન સુનિશ્ચિત થાય છે અને દાણા તૂટતા નથી. ઉત્પાદનના પ્રમાણમાં સુધારો થાય છે અને આ ગુણવત્તાથી બજાર મૂલ્ય વધે છે. પાણીની ગુણવત્તા અને સંચાલન એ  ચોખાના ઉત્પાદનમાં મહત્વનું છે. પાણીની  ઉપલબ્ધતા અને પાણી વપરાશ પછીની પર્યાવરણીય અસરો મોટી સમસ્યા છે. લોકો પણ ચિંતા દર્શાવે છે, ત્યારે ચોખા મિલોને આવી પદ્ધતિની જરૂર હતી. જે ઓછા ખર્ચે અને પાણીનો પુન: વપરાશ વધારે. - તમને આ નવીન શોધનો કેવો પ્રતિસાદ સાંપડયો છે?  ભવિષ્યમાં વધુ ચોખા ઉદ્યોગો સુધી પહોંચાડવાનું આયોજન ? : `રાઈસ બુસ્ટર પ્રો' લોન્ચ થયાના 11 મહિનામાં જ 400થી વધુ મિલરોએ તેને અપનાવ્યું છે. છત્તીસગઢ,  ઉત્તર ભારત, આંધ્રના વિસ્તારો સાથે હવે પંજાબ, દક્ષિણ ભારતના રાજ્યમાં આવેલા મિલ માલિકો સુધી પણ પહોંચાડી રહ્યા છીએ.  હકીકતમાં, આ ઉત્પાદન શોધવાનું હેતુ વ્યાપારી નહોતો,  જળ અને પર્યાવરણ બચાવવાનો  હતો.  પહેલાં, અમે અમારી મિલ માટે જ આ ઉકેલ -ટેકનિક વિકસાવ્યા હતા, પછી મિત્રોને આપ્યું, સારા પરિણામ આવ્યા હલો અને એમને ગમ્યું, અને એ રીતે  આગળ વધતાં આ ઉદ્યોગ ક્ષેત્રના અનુભવીઓએ તેને વ્યાપારિક રીતે લોન્ચ કરવા પ્રોત્સાહન આપ્યું. હવે મિલ માલિકોને અનુભવથી ગમી રહ્યું છે. દેશમાં દરેક સ્થળે અને સમયે સારો વરસાદ નથી હોતો અને ભૂજળનું પ્રમાણ પૂરતું નથી, ત્યારે જળસંચય અને મિલરોમાં જાગૃતિ જ મુખ્ય હેતુ છે. આ ઉત્પાદન ઓનલાઇન પણ મેળવી શકાય છે. - દેશમાં ચોખાની મિલીંગ બજાર અને ભવિષ્ય કેવું દેખાય છે ? : ચોખા મિલોએ હવે ટકાઉ પાણી વ્યવસ્થાપન, પ્રક્રિયા ઓપ્ટિમાઇઝેશન, ગુણવત્તા અને પાણીના બગાડને લઘુત્તમ કે નહીંવત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નિકાસનું પ્રમાણ માત્ર આફ્રિકા જ નહીં, યુરોપીય બજારોમાં પણ વધારવું હશે તો પેસ્ટીસાઇઝ ઘટાડી, ગુણવત્તા વધારવી પડે. શ્રેષ્ઠ નફાકારકતા માત્ર આધુનિક મશીનરીથી નહીં, પરંતુ પ્રક્રિયાને ઊંડાણથી સમજી તેના નિયંત્રણ અને નિપુણતા મેળવવાથી વધશે. માત્ર ઉત્પાદન નહીં, કાર્યક્ષમતા સુધારવાની છે.  આગામી 23થી 25મી ઓક્ટોબર સુધી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ડિયન રાઈસ એક્સપોર્ટ ફેડરેશનની `ભારત ઇન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ -2026 `યોજાવા જઈ રહી છે. જેમાં આ નવા ઉત્પાદનને પણ દેશ સમક્ષ મુકાયું છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd