ન્યૂયોર્ક, તા.6 : યુએસ ઓપનના એક ઊલટફેરમાં અમેરિકાના
વિશ્વ નંબર નવ ક્રમાંકિત ટેલર ફિટ્ઝ પુરુષ સિંગલ્સમાં જ્યારે વિશ્વ નંબર સાત ક્રમાંકિત
મેડિસન કીજ અને વિશ્વની ત્રીજા નંબરની અમાંડા અનામિસિમોવા મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં
હારીને બહાર થયા હતા જ્યારે પોતાના પ્રથમ યુએસ ખિતાબની શોધમાં આગળ વધી રહેલ જર્મન ખેલાડી
એલેક્ઝાંડર ઝેવરેવ ચીલીના એલેકઝાંદ્રા તાબિલોને 6-2, 7-6 અને 6-2થી હાર આપી
ચોથા રાઉન્ડમાં પ્રવેશ્યો છે. ચોથા રાઉન્ડમાં ઝેવરેવની ટકકર ઇટાલીના ખેલાડી લુસિયાનો
સામે થશે. તેણે ઓસ્ટ્રેલિયાના વાઇલ્ડ કાર્ડ ખેલાડી ડેન સ્વીનીને ત્રીજા રાઉન્ડમાં 6-4, 6-3 અને 6-3થી હાર આપી યુએસ ઓપનમાં પહેલીવાર
ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. બીજી તરફ ઝેવરેવ તેની કેરિયરમાં છઠ્ઠી વાર યુએસ ઓપનના
ચોથા રાઉન્ડમાં પહોંચ્યો છે. અમેરિકાનો યુવા ખેલાડી લર્નર ટિએન પણ ચોથા રાઉન્ડમાં પ્રવેશ્યો
છે. તેણે લુઇસ ર્ઓસ્ટ્રોંગને પાંચ સેટની રસાકસી પછી 6-3, 1-6, 6-7, 6-3 અને 6-4થી હાર આપી હતી. આ જીત સાથે
લર્નર ટિએન યૂએસ ઓપનમાં સૌથી નાની ઉંમરે ચોથા રાઉન્ડમાં પહોંચનારો અમેરિકી ખેલાડી બન્યો
છે. આ પહેલા એન્ડી રોડિકે 20 વર્ષની વયે
યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. ટિએન પણ 20 વર્ષનો છે. ચોથા રાઉન્ડમાં
તેની ટક્કર ખાચાનોવ વિરુદ્ધ થશે. મહિલા વિભાગમાં અમેરિકાની 18 વર્ષીય ખેલાડી ઇવા જુવિક પહેલીવાર
ચોથા રાઉન્ડમાં પહોંચી છે. તે હવે હમવતન ખેલાડી કોકો ગોફ સામે ટકરાશે. પૂર્વ વિશ્વ
નંબર વન પોલેન્ડની ઇગા સ્વિયાતેક સતત છઠ્ઠીવાર અંતિમ-16 રાઉન્ડમાં પહોંચી છે. હવે તે
ઝેંગ કિનવેનનો સામનો કરશે. જાપાનની નાઓમી ઓસાકાએ પણ રસાકસી બાદ ચોથા રાઉન્ડમાં જગ્યા
બનાવી છે. તેનો એલિસ મર્ટેસ વિરુદ્ધ 6-3, 3-6 અને 7-પથી વિજય
થયો હતો.