• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

અંજાર : ચોરાઉ વીજ વાયર અને ભંગાર સાથે ત્રણ શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 6 : અંજાર પોલીસે એક મકાનમાં છાપો મારી ત્રણ શખ્સને પકડી પાડી તેમની પાસેથી વીજ વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ શખ્સોએ જુદી-જુદી જગ્યાએથી હાથ માર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેયનો મુખ્ય સાગરીત હજુ હાથમાં આવ્યો નથી. અંજારના મફતનગર વિસ્તારમાં પોલીસે એક મકાનમાં કાર્યવાહી કરી હતી. અહીં ત્રણ શખ્સ વીજ વાયરના કટકા કરતા જણાયા હતા. તેમની પાસેથી આ વીજ વાયરના આધાર પુરાવા મગાતાં તે આપી શકયા નહોતા. દરમ્યાન આ પ્રકાશ બાલા કોળી, સંજય ગાંડુ સથવારા (દેવીપૂજક) તથા નાગજી લક્ષ્મણ શેખાણી (કોળી)ની વધુ પૂછપરછ કરાતાં ત્રણેયએ રામજી નાથબાવાની બોલેરો ગાડી લઇ અને ચોરી કરવા જતાં અને આ રામજી વીજ વાયર બારોબાર વેચી મારતો તથા આ ત્રણેયને તેમની ભાગીદારી આપતો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સોએ ભચાઉ-ભુજ રોડ પર કુંજીસર નામની સીમમાં કંપનીમાંથી વાયર ચોરી, સામખિયાળી બાજુની કંપનીમાંથી પિત્તળના બોલ, મુંદરા-વાંકી બાજુ લોખંડના એંગલ, ભંગાર, પાવરહાઉસમાંથી પિત્તળના વાલ્વ, એલ્યુમિનિયમના બંડલની ચોરી વિગેરે બનાવોને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા મુખ્ય સૂત્રધાર રામજી નાથબાવાને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd