ગાંધીધામ, તા. 6 : આદિપુરમાં હોટેલ મીડ ટાઉન નજીકની એક દ્વિચક્રીય ચાલક પાસેથી પૂર્વ કચ્છમાં એસ.ઓ.જીએ રૂા. 11,40,914ની નશાકારક ગોળીઓ, શિરપ જપ્ત કરી હતી. આ પકડાયેલા શખ્સો રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતા તેના ત્રણ દિવસના તા. 9/9 સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. અહીંના શિણાય ખાતેની ધ વિલા સેસાયટીમાં રહેનાર હેમાંગ ઉર્ફે રામ પ્રવીણકુમાર ગોકલાણી નામનો શખ્સ માદક પદાર્થ ટ્રોમાડોલ ગોળીનો જથ્થો રાખી વેચાણ અર્થે નીકળવાનો હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જજી.એ વોચ ગોઠવી હતી. તોલાણી કોલેજ પાછળ મીડટાઉન નજીક પોલીસ સંતાઈ ગઈ હતી. દરમ્યાન બાતમી વાળો આ શખ્સ એકસેસ ગાડી નંબર જી.જે. 12 - ઈ-પી-0635 લઈને આવતા પોલીસે તેને રોકાવ્યો હતો. આ હેમાંગ ઉર્ફે રામ ગોસ્વામી પાસેની એકસેસનકી તપાસ કરતા ડેકીમાંથી માદક પદાર્થ વાળી દવાઓ નકળી પડી હતી. આ શખ્સ પાસેથી આરએક્સ કીપરોલોડાઈન હાઈડ્રોકલીરાઈડ એન્ડ કોકેઈન ફોસ્ફેટ શિરપની 31 બોટલ, આર.એક્સ ટ્રીપરોલોડાઈન હાઈડ્રોક્લોરાઈડ એન્ડ કોડેઈન ફોસ્ફેટ શિરપરેકસનો પાંચ બોટલ, એન.આર.એસ. ડાયક્લોમાઈન હાઈડ્રોક્લોરાઈડ ટ્રોમાડોલની 352 ગોળીઓ તથા એન.આર. એક્સ નાઈટ્રાઝેપાસની 180 ગોળીઓ એમ કુલ રૂા. 11,40,914ની આ માદક પદાર્થવાળી ગોળીઓ, શિરપ જપ્ત કરવામાં આવી હતી. આ શખ્સે ક્યાંથી આ જથ્થો મેળવ્યો હતો તે હાલમાં બહાર આવ્યું નથી. પરંતુ છૂટકમાં નાના પેડલરોને વેચવા જતો હોવાનું બહાર આવ્યું હોવાનું પોલીસ વડા સાગર બાગમારએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું. અમુક કોલેજ સંકુલની આસપાસ આવેલી દુકાનો પણ શંકાસ્પદ છે ત્યારે યુવાધનને માદક પદાર્થોના રવાડે ચડાવવાનારી આવ શખ્સો સામે પણ કડક કાર્યવાહી કરાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું. પકડાયેલા આ શખ્સને આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કાર્યવાહીમાં એસઓજી પી.આઇ. બી.વી. બોરીસાગર તથા સ્ટાફના અશોકકુમાર સોંધરા, વિરેન્દ્ર પુરોહિત,આશિષકુમાર ભટ્ટ, પ્રકાશ દવે, દેમુભાઇ પઢેરિયા, સુનિલ માગંત, ઇન્દ્રાબેન જોશી વગેરે જોડાયા હતા. - ગાંધીધામમાં બે મહિના પહેલાં ચાની દુકાનમાં કાર્યવાહી થઇ'તી : ગાંધીધામ, તા. 6 : આદિપુરમાં નશાકારક ગોળીઓ, સિરપ સાથે શખ્સને પોલીસે ઝડપી પાડયો છે, ત્યારે ગાંધીધામમાં પણ બે મહિના અગાઉ ચાની એક દુકાનમાંથી સરહદી રેન્જની ટીમે આખો જથ્થો ઝડપી પાડયો હોવાનો બનાવ તાજો થયો હતો.સરહદી રેન્જ પોલીસે ગાંધીધામમાં આવેલી મંત્રી ચાની દુકાનમાંથી માદક પદાર્થોવાળી ગોળીઓ વગેરેનો જથ્થો ગત તા. 19/6ના ઝડપી પાડયો હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં નશાકારક પદાર્થોના નમૂના લઇ એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. બે મહિના અગાઉના આ પ્રકરણમાં હજુ એફ.એસ.એલ.નો અભિપ્રાય ન આવ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. ત્યાંથી અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી થાય તેમ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. - પ્રમાણપત્ર ન હોવા છતાં નશાકારક દવા વેચતો : ગાંધીધામ, તા. 6 : આદિપુરમાં હોટેલ મિડટાઉન નજીકથી એક શખ્સને માદક ગોળીઓ, સિરપ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. આ શખ્સે પ્રોવિઝનલ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. શિણાયના હેમાંગ ઉર્ફે રામ ગોકલાણી નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સે પોતાનું ફાર્માસિસ્ટ તરીકેનું ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાંથી મેળવેલ પ્રોવિઝનલ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. મારૂતિ મેડિસીન, આદિપુર-ગાંધીધામ નામની મેડિકલનો ઇન્ટીમેશન લેટર રજૂ કર્યે હતો. ડ્રગ ઇન્સ્પેક્ટરે આ દસ્તાવેજી પુરાવામાં તેના નામનો કોઇ ઉલ્લેખ નથી, જેથી આ પરવાનેદાર પેઢીઓ વ્યક્તિ સાથે દસ્તાવેજી રીતે જોડાયેલ જણાતી નથી. ફાર્મસી કાઉન્સિલમાં ફાર્માસિસ્ટ તરીકે નોંધણી હોવાથી આ દવા રાખવાની કોઇ પરવાનગી મળતી નથી, તેના માટે ઔષધિ નિયમન તંત્ર પાસેથી નિયત પરવાના લેવા જરૂરી હોવાનું જણાવાયું હતું તથા આ શખ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો કોઇ પરવાનો ધરાવતો નથી કે અરજી કરી ન હોવાનું બહાર આવ્યું હતું. આ જથ્થો પરવાના ધરાવતા સ્થળેથી મળ્યો નથી. આ જથ્થાનો દવા તરીકે ઉપયોગ થતો હોય તેવું જણાતું નથી. નાઇટ્રોઝન તથા ટ્રોમાડોલ ઘટક ધરાવતા આ જથ્થાનો ઉપયોગ નશા તરીકે પણ થઇ શકે તેમ હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.