• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

વરસામેડીમાં ખળભળાટ : યુવાનની ટુકડા કરાયેલી લાશ મળી

ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના વરસામેડીમાં રહેનાર લખુ રૂડાભાઈ હુંબલ (આહીર) (ઉ.વ. 46) નામના યુવાન ગત તા. 1-9ના ગુમ થયા બાદ તેમની ક્રૂર અને નિર્મમ રીતે હત્યા કરાયેલી લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી છે. તહેવારો ટાણે આ બનાવથી પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. વરસામેડીમાં હૃદય કંપાવનારો અને અત્યંત ક્રૂર બનાવ સામે આવ્યો છે. છેલ્લા દસેક દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા લખુભાઈ હુંબલની ધારદાર હથિયાર વડે ઘાતકી હત્યા કરી તેમના શરીરના કમરથી નીચેના બે કટકા કરી કોથળામાં પૂરી તળાવમાં ફેંકી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં એરરાટી સાથે ચકચાર પ્રસરી છે. વરસામેડી ગામમાં સરદાર આવાસ યોજનામાં રહેતા અને મજૂરીકામ કરનાર આ યુવાનને ગત તા. 31/8ના રાત્રે ટોલનાકા નજીક ગણેશ મંદિર પાછળ આવેલાં ખેતરમાં ચોકી કરવા માટે તેમને દીકરો રવિ મૂકવા ગયો હતો. બાદ બીજા દિવસે તે પરત ન ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી. દરમ્યાન આ યુવાનનો મોબાઈલ નર્મદા પમ્પિંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો, પણ આ યુવાનની ક્યાંય ભાળ ન મળતાં તેમના ભાઈ દેવજીભાઈએ અંજાર પોલીસ મથકે ગત તા. 1/9ના ગુમનોંધ લખાવી હતી. પરિવારજનો શોધખોળ કરતા હતા દરમ્યાન ગઈકાલે ઢળતી બપોરે રવજી ડાંગરને ફોન આવ્યો હતો અને પોતે તથા મનજી અરજણ વરાયા ગામના પાછળના તળાવ બાજુ શોધખોળ કરતા હતા ત્યારે તળાવ કિનારે બે કોથળામાં લાશ જેવું ભરેલું હોવાનું બહાર આવ્યું હોવાનું કહ્યું હતું અને ફરિયાદી દેવજી ઉર્ફે દેવા રૂડા હુંબલ (આહીર)ને તાત્કાલિક ત્યાં આવવાનું કહ્યું હતું. જ્યાં બે પ્લાસ્ટિકના કોથળામાં લાશ ભરેલ હોય તેવું જણાયું હતું. બનાવની જાણ પોલીસને કરાતાં પોલીસ ત્યાં દોડી આવી હતી. પોલીસે તળાવમાંથી બંને કોથળા બહાર કઢાવી અંજાર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ કોથળા ખોલતાં ઉપસ્થિત સૌના રૂવાડાં ઊભાં થઈ ગયાં હતાં. એક કોથળામાં કમરથી ઉપરનો ભાગ  અને બીજા કોથળામાં કમરથી નીચેનો ભાગ હતો. આ મૃતકના માથાના પાછળના ભાગે હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારના બે ઊંડા ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં ક્રૂર રીતે કમરથી નીચેનો ભાગ કોઈ હથિયાર વડે કાપી નાખ્યો હતો તેમજ પુરાવાનો નાશ કરવાના આશયથી આ બે ટુકડા બે જુદા-જુદા કોથળામાં ભરી તળાવમાં ફેંકી દીધા હતા. આ નિર્મમ હત્યાના પ્રકરણમાં પોલીસે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી આ ક્રૂર હત્યાનું કારણ શું છે અને હત્યારા કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd