ભુજ, તા. 6 : શહેરના મુંદરા રોડ પર એક્ટિવા
પરથી પડી જતાં 28 વર્ષીય યુવાન પંકજ સુભાષ છપરીબંધનું
મોત થયું હતું. જ્યારે અબડાસા તાલુકાના વાયોરમાં 25 વર્ષીય યુવાન રોનક પચાણ કોલીએ બાવળની ઝાડીમાં જ્યારે માંડવીના
ગુંદિયાળીના મોડાવાડી વિસ્તારમાં 44 વર્ષીય યુવાન ચતુરસિંહ રણછોડજી જાડેજાએ ગળેફાંસો ખાઇ જીવ દીધા
હતા. ભુજની લોટસ કોલોની બાજુ રહેતો પંકજ આજે સવારે 6.30 વાગ્યાના અરસામાં એક્ટિવા લઈને મુંદરા રોડ ચંગલેશ્વર શનિદેવ
મંદિર માર્ગથી જઈ રહ્યો હતો, ત્યારે
એક્ટિવા પરથી પડી જતાં તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ અવાતાં ફરજ પરના
તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ હતી. બી-ડિવિઝન
પોલીસને બનાવની જાણ કરાઈ છે. બીજીતરફ અબડાસાના વાયોર ગામે રહેતા યુવાન રોનક કોળીએ કોઈ
અગમ્ય કારણોસર ગઈકાલે બપોરે પચાણ જુમા કોલીની વાડીની બાજુમાં બાવળોની ઝાડીમાં ગળેફાંસો
ખાઈ લીધો હતો. રોનકને સારવાર અર્થે નલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના
તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાયોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી
કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન માંડવીના ગુંદિયાળીના યુવાન ચતુરસિંહે આજે સવારથી બપોર
દરમ્યાન કોઇ અગમ્ય કારણે મોડાવાડી વિસ્તારમાં ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે
માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માંડવી
મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.