નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારમાં
મંત્રીઓનાં કામો પર આવતીકાલે સોમવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષસ્થાને
એક બેઠક થશે, જેમાં કેટલાંક મંત્રાલયોની
કામગીરી, મંત્રીઓનાં પ્રદર્શન પર મંથન થશે. આ બેઠકને આવનારા સમયમાં
કેબિનેટમાં ફેરબદલ સાથે જોડીને જોવાઇ રહી છે. બેઠકમાં સામાજિક ન્યાય જનકલ્યાણ સાથે
જોડાયેલાં કામો પર ખાસ ધ્યાન રહેશે; તેના માટે માત્ર એ જ રાજ્યમંત્રીઓ
અને સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય મંત્રીઓને બોલાવાયા છે, જે સમાજ
કલ્યાણ સાથે જોડાયેલા છે. કાલની ચર્ચામાં મુખ્ય રૂપે શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય, કૃષિ મંત્રાલયના પ્રધાનો સામેલ
રહેશે. મંત્રીઓએ પોતાની જવાબદારીઓ કેવી રીતે નિભાવી છે અને યોજનાઓ જમીન પર કેટલી ઝડપે
ઊતરે છે, તેના પર ચર્ચા થશે. આ બેઠકનો એક મહત્ત્વનો હિસ્સો `જવાબદારી' હશે, જે મંત્રીઓને જવાબદારી
સોંપાઇ તેના પર કેવું કામ રહ્યું તેની ચર્ચા થશે. આવનારા દિવસોમાં સરકાર અન્ય રાજ્યમંત્રીઓનાં
જૂથો સાથે પણ આવી બેઠકો યોજવાની છે. આ બેઠકોમાં મંત્રીઓનું પ્રદર્શન ચર્ચાનાં કેન્દ્રમાં
હોવાથી આ કવાયતને મંત્રી મંડળમાં બદલાવ સાથે જોડીને જોવાય છે.