• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

માતા જશોદાનો ગઢ ગાજે રે...

દયાપર,(તા.લખપત) તા.6 : તાલુકાના નાની વિરાણી ગામમાં પાટીદાર સમાજની વર્ષો જૂની પરંપરા ઝેન-2 નવા જનરેશને પણ જાળવી રાખી છે અને તળાવની માટીમાંથી જશોદા માતા બનાવી તેની સ્થાપના કરી બે દિવસ પૂજન કર્યું હતું. પરંપરા મુજબ તળાવમાંથી માટી લઈ અવાય છે. જશોદા માતાની મૂર્તિ બનાવી નવ પરિણિત દીકરીઓ કે, જેઓ પહેલી સાતમ પિયરમાં કરવા આવી હોય તે (ગોયણી) બને છે અને સાતમના સાંજે સૂરજ આથમે ને બહેનો ગીત ગાતી જશોદા માને તેડી લાવી મંદિરમાં સ્થાપના કરી આખી રાત અખંડ દીવો પ્રગટાવી જાગરણ કરે છે. આઠમના રાત્રે કૃષ્ણજન્મની પ્રસાદી(પંજૂરી) અપાય છે. નોમના દિવસે જશોદા માતાની મૂર્તિનું વિસર્જન કરવા જતી મહિલાઓ રીતસર રડી પડે છે અને ગીત ગાય છે... દીકરીઓ જાવ સાસરીયાની વ્હારે... માતા જશોદાનો ગઢ ગાજે રે... મોહન માયા લગાડી .... નાની વિરાણી પાટીદાર સમાજ મહિલા મંડળના પ્રમુખ ઉર્મિલાબેન મગનભાઈ ચૌધરી , મંત્રી સંગીતાબેન લાલજીભાઈ પારસિયા, ખજાનચી મીતલબેન શૈલેષભાઈ લીંબાણીએ કહ્યું હતું કે, નવું જનરેશન છે છતાં પરંપરા જાળવી રાખી છે. અગ્રણી મથુરાભાઈ પારસિયા કહે છે કે, પાટીદાર સમાજના ગામડાઓમાં આ પ્રણાલિકા યથાવત છે. 

Panchang

dd