નવી દિલ્હી, તા. 29 : એશિયન ગેમ્સ
2026માં ભારતના મેડલની આશાને એક
મોટો ઝટકો લાગ્યો છે. ગોલ્ડન બોયના નામે પ્રખ્યાત ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા ટુર્નામેન્ટમાંથી
અચાનક બહાર થયો છે. તેના પગની ઘૂંટીના લિગામેન્ટ ફાટી ગયા છે. ચોપરાએ એક ભાવુક પોસ્ટ
મારફતે આ જાણકારી શેર કરી હતી અને કહ્યું હતું કે,
તે આખી સીઝનમાંથી બહાર થયો છે. એટલે કે ડાયમંડ લીગના ખિતાબી મુકાબલામાં
પણ ઉતરી શકશે નહી. નીરજ ચોપરાએ લખ્યું હતું
કે, આકરી મહેનત બાદ તેને લાગ્યું હતું કે લય અને ગતિ મેળવી રહ્યો
છે. વધુમાં સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કરીને આત્મવિશ્વાસ પણ વધ્યો હતો. જો કે દુર્ભાગ્યથી
તાલિમ દરમિયાન ઘૂંટીનું લિગામેન્ટ ફાટી ગયું છે. તબીબો અને ટીમ સાથે ચર્ચા કર્યા બાદ
નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્તમાન સીઝનના બાકી મુકાબલામાંથી બહાર રહેશે. આ વાત નિરાશાજનક
છે કારણ કે તેને લાગી રહ્યું હતું કે, તે પોતાની લય પરત મેળવી
રહ્યો છે. ચોપરાએ આગળ લખ્યું હતું કે હવે તેનું પુરૂ ધ્યાન સ્વસ્થ થવા ઉપર અને પહેલાથી
વધારે મજબુત વાપસી કરવા ઉપર રહેશે. હવે નીરજ ચોપડાની ગેરહાજરીમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન્સ
ગેમ્સના જેવલિન થ્રો ઈવેન્ટમાં ભારતીય આશાનો દારોમદાર યુવા એથલિટ રોહિત યાદવ ઉપર રહેશે.
રોહિતે ભુવનેશ્વરમાં આયોજીત વર્લ્ડ એથલેટિક્સ સિલ્વર લેવલ કોન્ટિનેન્ટલ ટૂરમાં 87.68 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ
સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.