ગાંધીધામ, તા. 29 : ભચાઉ તાલુકાના મનફરામાં સામાન્ય
બાબતે ચાર જણ ઉપર હુમલો કરાયો હતો. ભચાઉ તાલુકાના જંગીમાં જુગારના દરોડોમાં પકડાયેલી
મોટરસાઈકલ પરત માગવા બાબતે બે શખ્સે બબાલ કરી હતી. મનફરા ગામના સંઘાઉ વાડી વિસ્તારમાં
ગત તા. 28/8ના બપોરે 1.30 વાગ્યે આ બનાવ બન્યો હતો. આ અંગે અરજણભાઈ કરસનભાઈ કોળીએ આરોપી
ભવન ખીમા કોળી, ગોપાલ ખીમા કોળી,
મનિષ બાબુ કોળી, રૂડા બાબુ કોળી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીના
પુત્ર કિરણ અને ફરિયાદીના ભાઈ હિતેષની પત્ની સંગીતા મોટરસાઈકલ ઉપર જતા હતા,
તે સમયે આરોપીઓએ તેમનો રસ્તો રોક્યો હતો, જેનું
કારણ પૂછવા જતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો. ધારિયું વાગતાં ફરિયાદીને માથાના
ભાગે હાડકું તૂટવા સાથે હેમરેજ સહિતની ઈજા પહોંચી હતી. આ બનાવમાં બાલો, હિમેશ અને હરેશ તેમજ કિરણ નામના સાહેદોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તહોમતદારોએ
ફરિયાદીના વાહનોમાં નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓને ફરિયાદીની
વાડીની બાજુમાં રેતી ઉપાડવાની ના પાડવામાં આવી હતી, જેનું મનદુ:ખ
રાખીને આ ઝઘડો થયો હોવાનું ફરિયાદમાં વર્ણવવામાં
આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જંગીમાં ફરિયાદી મંગળાબેન ભરતભાઈ સોનીના
ઘર પાસે ગઈકાલે 3.30 વાગ્યાના
અરસામાં થયેલ બનાવ અંગે આરોપી ભરત બાબુભાઈ મકવાણા (કોળી), નિલેશ લખમણભાઈ કોળી વિરુદ્ધ સામખિયાળી પોલીસમથકે
ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં ઉમેર્યું હતું કે, તહોમતદારોએ ફરિયાદીના ઘર પાસે આવીને જુગારના દરોડામાં પકડાયેલું બાઈક પરત માગવા
મુદ્દે ગાળાગાળી કરી હતી. ફરિયાદીની મારુતિ અલ્ટો ગાડી જીજે-12-એફસી-3719માં પથ્થરો
મારીને કાચ તોડીને નુકસાન પહોંચાડયું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ છાનબીન આરંભી છે.