નવી દિલ્હી, તા. 29 : નેપાળમાં
વિનાશક પૂર બાદ તબાહીની વધુ વિગતો બહાર આવી રહી છે. આજે વધુ સંખ્યાબંધ મૃતદેહો મળી
આવ્યા બાદ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 626 થઈ ગઈ છે. જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. બીજી તરફ,
બચાવ ટુકડીઓએ અભિયાનના ચોથા દિવસે આશરે 2,500 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
છે. તેમાં 163 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
નેપાળના આઠ જિલ્લાઓમાંથી અત્યાર સુધી મૃતદેહો મળી આવ્યા છે. તેમાં ચિતવનમાંથી 233, નવાલપરાસી પૂર્વમાંથી 158, નુવાકોટમાંથી 51, ગોરખામાંથી 48, નવાલપરાસી પશ્ચિમમાંથી 47, ધાદિંગમાંથી 45, તનહુમાંથી 31 અને રસુવામાંથી 13 મૃતદેહ સામેલ છે. બુધવારે રસુવા
અને મધ્ય નેપાળના અન્ય વિસ્તારોમાં અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. પૂરનાં
કારણે મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે વસાહતો, રસ્તાઓ, પુલો અને
જળવિદ્યુત પરિયોજનાઓના માળખાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આશરે 2,000 લોકો હજુ પણ ગુમ હોવાની માહિતી
છે. સુરક્ષા દળોએ અત્યાર સુધી 163 વિદેશી નાગરિકો
સહિત કુલ 2,465 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
છે. બચાવવામાં આવેલા વિદેશી નાગરિકોમાં 113 ભારતીય, 26 ચીની, 15 દક્ષિણ કોરિયન, ચાર જર્મન, ઇટાલી અને
અમેરિકાના બે-બે તથા ઓમાનના એક નાગરિકનો સમાવેશ થાય છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત
અને બચાવ કામગીરી માટે નેપાળ સેનાના 5,000થી વધુ જવાનો સહિત 11,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરાયાં છે.