• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

ભરોસો તૂટયો; `એવરેસ્ટ' હિંગ પર પ્રતિબંધ

નવી દિલ્હી, તા. 29 : દાળ-શાક સહિત વાનગીઓનો સ્વાદ વધારવા માટે રસોડામાં રાજીપાભેર હિંગનો ઉપયોગ કરતી મહિલાઓને આંચકો આપે તેવા વાવડ મળી રહ્યા છે. ભારે લોકપ્રિય એવી `એવરેસ્ટ'ની હિંગના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધારાધોરણ સત્તા મંડળ (ફસાઈ)એ `એવરેસ્ટ'ની સાથોસાથ જૂની હિંગ નિર્માતા કંપની લાલજી ગોધૂ એન્ડ કંપની વિરુદ્ધ પણ આવી જ કાર્યવાહી કરી હતી. બન્ને કંપનીના નમૂનાની ચકાસણી કરતાં અસલી હિંગની માત્રા નિર્ધારિત સીમાથી 40 ટકા જેટલી ઓછી જોવા મળી હતી. નિયમો મુજબ કમ્પાઉન્ડેડ હિંગ બનાવવા માટે અસલી હિંગને ગુંદ, સ્ટાર્ચ અને લોટ સાથે ભેળવાય છે જેમાં કમસે કમ પાંચ ટકા આલ્કોહોલ સોલ્યુબલ એક્સ્ટ્રેક્ટ હોવું જરૂરી છે. સ્ટાર્ચની માત્રા નિયત સીમાથી વધુ જોવા મળી તપાસમાં મહત્ત્વના છ પ્રકારમાં સ્ટાર્ચનું પ્રમાણ 15થી 32 ટકા સુધી મળ્યું હતું. મતલબ કે સ્ટાર્ચની માત્રા નિયત સીમાથી ઘણી વધારે હતી. `ફસાઈ'એ કહ્યું હતું કે, અલગ-અલગ સ્થળેથી લેવાયેલા હિંગના નમૂનામાં આલ્કોહોલ એક્સ્ટ્રેક્ટ પાંચ ટકાથી ઓછું જોવા મળ્યું હતું. એવરેસ્ટ અને લાલજી ગોધૂ કંપનીઓ આ ગંભીર ખામીઓ દૂર નહીં કરી શકે તો આગળ પર કાર્યવાહીની ચેતવણી અપાઈ છે.

Panchang

dd