• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

ભુજમાં ઘોડેસવાર રોડમાર્ચે સર્જ્યું આકર્ષણ

ભુજ, તા. 29 : કચ્છના યુવાનો ઘોડેસવારી પ્રત્યે જાગૃત થાય તેમજ ટેન્ટ પાગિંગ, શો જમ્પિંગ અને બેરલ રેસ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની અશ્વારોહણ સ્પર્ધાઓમાં કચ્છીજનો પોતાની ઊંડી સમજ કેળવે તેવા ઉમદા આશય સાથે પોલીસ માઉન્ટેડ ક્લબ દ્વારા ભુજમાં રોડ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ માર્ચનો મુખ્ય હેતુ કચ્છના ક્ષમતાવાન યુવાનો માટે ભવિષ્યમાં ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતગમતો સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરવાનો હતો. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ માઉન્ટેડ પી.એસ.આઈ. એલ. બી. મકવાણા અને માઉન્ટેડ કોચ એ.એસ.આઈ. રામવીરભાઈ યાદવની જહેમત અન્વયે ભુજના પોલીસ માઉન્ટેડ ક્લબ ખાતેથી પ્રારંભ થઈને આ રોડ માર્ચ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવ સુધી પહોંચી હતી. મોટી સંખ્યામાં ઘોડેસવારો પોતાના અશ્વારોહણ ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. પોલીસ માઉન્ટેડ ક્લબના સિનિયર સભ્ય દિવ્યરાજાસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ યુવાનોને માત્ર મનોરંજન તરીકે નહીં, પરંતુ અશ્વારોહણને એક વ્યાવસાયિક રમત તરીકે અપનાવીને રાજ્ય, રાષ્ટ્રીય અને ઓલિમ્પિક સ્તરે કચ્છ અને ગુજરાતનું નામ રોશન કરવાનું છે. કચ્છમાં અશ્વારોહણ શીખવા માંગતા અનેક અભ્યાસુઓ માટે પોલીસ માઉન્ટેડ ક્લબ વર્ષ 2009 થી લઈને આજ દિન સુધી અવિરતપણે સરાહનીય સહયોગ અને યોગ્ય તાલીમ પૂરી પાડી રહ્યું છે.

Panchang

dd