• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

રાપરમાં આરોગ્ય ક્ષેત્રે નવો અધ્યાય શરૂ

રાપર, તા. 29 : રાપરમાં નિર્માણ પામતી 120 બેડની હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ટ્રોમા સેન્ટર વગેરે સુવિધાઓ સ્થાનિકે જ ઉપલબ્ધ થવાથી સારવાર માટે બહાર નહીં જવું પડે. રાપરમાં આરોગ્ય ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો હોય તેમ આધુનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું નિર્માણકાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે. ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના પ્રયત્નોથી આ સુવિધા મળતાં તાલુકામાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધતાં વાગડવાસીઓને સારવાર માટે પાટણ, ગાંધીધામ કે અન્યત્ર જવું નહીં પડે એમ તાજેતરમાં ધારાસભ્યની સૂચનાથી આ નિર્માણાધીન હોસ્પિટલની મુલાકાત લેતાં રાપરના રાજકીય મોવડીઓએ જણાવ્યું હતું. 65000 ચોરસ ફૂટમાં 35 કરોડના ખર્ચે તૈયાર થનારી આ હોસ્પિટલમાં અદ્યતન ઓપરેશન થિયેટર, લેબોરેટરી, જનરલ વોર્ડ, સેમિ સ્પેશિયલ અને સ્પેશિયલ વોર્ડ, આઈસીયુ, ટ્રોમા સેન્ટર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુલાકાત દરમિયાન હાજર ઈજનેર અને કોન્ટ્રાક્ટરે ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જવાનું જણાવ્યું હતું. વિનુભાઈ થાનકી, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા, બળવંત ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, કાંતિલાલ ઠક્કર, કમલાસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd