ગાંધીધામ, તા. 29 : શહેરમાં આવેલા ઔદ્યોગિક એકમના
ગોડાઉનમાંથી બે શખ્સે રૂા. 4.80 લાખના વાયરની
ચોરી કરી હોવાનો મામલો ફરિયાદ સ્વરૂપે પોલીસ ચોપડે નોંધાયો હતો. ભચાઉ તાલુકાના લલિયાણા
સીમમાં વાડીમાંથી તસ્કરોએ રૂા. 15 હજારના કોપર
વાયરની ચોરી કરી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ રોડ ગુરુકુળ ખાતે આવેલ ડેલ્ટા એન્જિનીયર્સ
ઈલેક્ટ્રિક કંપનીના ગોડાઉનમાં એપ્રિલ-2026થી તા. 27/8/2026 સુધીના અરસામાં ચોરીનો બનાવ
બન્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કંપનીના ગોડાઉનમાં ઓફિસબોય તરીકે કામ કરતા
આરોપી જોગાભાઈ મહાદેવભાઈ રબારી તથા અન્ય આરોપી નશાભાઈ વિરમભાઈ રબારીએ સાથે મળીને ગોડાઉનના
સીસીટીવી કેમેરા બંધ કરી 150 જેટલા વાયરના
રોલની ચોરી કરી હતી. આ અંગે મનિષ રાજકુમાર સંઘતાનીની ફરિયાદના આધારે પોલીસે ગુનામાં
સામેલ આરોપી શોધવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. ચોરીનો વધુ એક બનાવ લલિયાણા ગ્રામ પંચાયતના
સર્વે નં. 488વાળા ખેતરમાં ગત તા. 27/8ના સાંજે 5 વાગ્યાથી તા. 28/8ના સવારે 10 વાગ્યાના અરસામાં બન્યો હતો.
આ અંગે રામજીભાઈ જશાભાઈ ગાગલની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યા આરોપી ફરિયાદીના ખેતરમાં આવેલા કૂવા/બોર
પર આવેલ સબમર્શિબલ મોટરની ઉપર લાગેલ 25 એમ.એમ.નો કોપર કેબલ
25 મીટર કાપી ગયા હતા. આ અંગે
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.