• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

મોદી તાશ્કંદ પહોંચ્યા; પુતિન-જિનપિંગને મળશે

નવી દિલ્હી, તા. 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ચાર દિવસના સેન્ટ્રલ એશિયાના પ્રવાસે પહોંચ્યા છે.  તેઓ આજે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાષ્ટ્રપતિ શોકત મિર્જિયોયેવે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અહીંથી કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે. જ્યાં 31 ઓગસ્ટથી 26મી SCO એટલે કે શાંઘાઈ સહયોગ સંગઠનની બે દિવસીય શિખર પરિષદમાં ભાગ લેશે. આ પ્રવાસમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય વાતચીત ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનાપિંગ સાથેની મુલાકાત મહત્ત્વપૂર્ણ રહેશે.  મોદીની પુતિન સાથેની અને સંભવત: જિનપિંગ સાથેની મુલાકાત પર ભારત સહિત વિશ્વની નજર રહેશે. તાશ્કંદમાં યંગ ઉઝબેકિસ્તાન પાર્કમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ શાવકત મિર્ઝિયોયેવ દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં સામેલ થશે. પ્રવાસના પહેલા દિવસે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં મુલાકાતની શરૂઆત થશે. 30  ઓગસ્ટે શાવકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને નવાં ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર વાત થશે. રાજદ્વારી ચર્ચા બાદ શાસ્ત્રી મેમોરિયલ જઈને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે, ત્યારબાદ તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી સ્થિત મહાત્મા ગાંધી સેન્ટર તરફ જશે. દિવસભરની વ્યસ્તતા બાદ સાંજે બિશ્કેક માટે રવાના થશે. 31 ઓગસ્ટના મોદી બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCOની 26મી શિખર પરિષદમાં સામેલ થશે. આ સંગઠનની સ્થાપનાના 25 વર્ષ પૂરા થવાનો પણ અવસર છે. આમાં સુરક્ષા, કનેક્ટિવિટી અને તક જેવા મુદ્દાઓ પર ભારત પોતાની પ્રાથમિકતાઓ મુકશે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય મુલાકાત થશે. બંને દેશોના સંબંધો સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીતની અપક્ષા છે. 1 સપ્ટેમ્બરના SCO સાથે જોડાયેલા કાર્યક્રમો ચાલુ રહેશે. મોદી સંગઠનના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. આ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનાપિંગ સાથે તેમની મુલાકાત પર ખાસ નજર રહેશે. મોદી છઠ્ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ સામેલ થશે. આ પ્રવાસમાં ભારત એક તરફ ઉઝબેકિસ્તાન સાથે વેપાર, રોકાણ, ઊર્જા, શિક્ષણ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાત કરશે, તો બીજી તરફ SCOના મંચ પર સુરક્ષા અને કનેક્ટિવિટીને લઈને પોતાની પ્રાથમિકતાઓ મુકશે.

Panchang

dd