નવી દિલ્હી, તા. પ : શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી અગાઉ ભારતના પૂર્વ દિગ્ગજ બેટધર ચેતેશ્વર
પૂજારાએ રવીન્દ્ર જાડેજાની બોલિંગ માનસિકતામાં આવેલ બદલાવ વિશે પ્રતિક્રિયા આપી છે.
પૂજારાનું કહેવું છે કે જાડેજા હવે રેડ બોલ ક્રિકેટમાં વધુ ખતરનાક અને આક્રમક બોલર
બની ચૂક્યો છે. 89 ટેસ્ટમાં
348 વિકેટ લેનાર જાડેજા હવે રન
રોકવાના બદલે દરેક દડા પર વિકેટ લેવાના લક્ષ્ય સાથે બોલિંગ કરે છે. પૂજારાના કહેવા
અનુસાર જાડેજા પહેલા મુખ્ય રૂપે રન રોકવાના આશયથી બોલિંગ કરતો હતો. ખાસ કરીને રેડ બોલ
ક્રિકેટમાં. જો પીચમાંથી મદદ મળતી હોય તો વિકેટ લેવાની કોશિશ કરતો. હવે તે પોતાની અસલી
તાકાત સમજી ગયો છે. હવે જાડેજા સ્ટમ્પની લાઇનમાં બોલિંગ કરી વિકેટ લેવાની કોશિશ કરે
છે. આ માનસિક બદલાવથી તેની બોલિંગ ટેકનીકમાં પણ ઘણો સુધારો થયો છે. હવે તે વધુ આક્રમક
બન્યો છે. તે ક્રિઝનો સારો ઉપયોગ કરે છે અને વાઇડ એન્ગલ બોલ ફેંકે છે. રમતમાં સમય પ્રમાણે
માનસિક બદલાવ ઘણો જરૂરી હોય છે.